સરકાર બનાવવા ભાજપ અને અકાલી દળના નેતાઓએ ગુપ્ત રાહે સંપર્કો શરૂ કરી દીધા
પંજાબમાં આ વખતે કોંગ્રેસની સ્થિતિ ખરાબ છે. નવજાેતસિંઘ સિદ્ધુએ ખેલ બગાડી નાખ્યો છે. બે બિલાડી વચ્ચેની લડાઈમાં વાનર ફાવી જાય એમ આ વખતે કોંગ્રેસ ઉપરાંતનો કોઈ પક્ષ ફાવી જાય એવી શક્યતા દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી ન મળે તો ત્રિશંકુની સ્થિતિ પેદા થશે.
જાે એવું થાય તો ગઠબંધન રચી અને સરકાર માટે ભાજપ અને અકાલી દળના નેતાઓએ ગુપ્ત સંપર્કો શરૂ કરી દીધા છે. બંને પક્ષો ૨૩ વર્ષ જૂના સાથીદાર છે. અટલ બિહારી વાજપેયીની ૧૩ દિવસની સરકાર હતી ત્યારથી સાથે રહ્યાં છે. કિસાન આંદલોનનો આરંભ થયા પછી બંને વચ્ચે છૂટાછેડા થયા હતા. મોદી સરકારે ખેડૂત કાયદા રદ કરતા ફરીથી હવે અકાલી દળને પણ ભાજપ સાથેનો વાંધો પૂરો થઈ ગયો છે. એવામાં બેય ફરી પાછા કીટ્ટામાંથી બિલ્લા કરી લે તો નવાઈ નહીં.
ઉત્તર પ્રદેશનો ચંદૌલી જિલ્લો અનાજનો કોઠાર કહેવાય છે. ત્યાં મબલખ માત્રામાં ધાન્યનું ઉત્પાદન થાય છે, પરંતુ લોકોનું પેટ ભરતા જગતાતની હાલત કફોડી છે. આ અનાજ વેચવા માટે તેમને દરબદર ભટકવું પડે છે. સરકાર તેમની પાસેથી અનાજ ખરીદતી નથી. બજારમાં તેમને એ અનાજ મામૂલી કિંમતે વેચવું પડે છે. ખેડૂતો કલેક્ટર કચેરી કે મામલતદાર કચેરીએ જાય તો ત્યાં તેને હડધૂત કરવામાં આવે છે.
અધિકારીઓ દલાલો સાથે મિલિ ભગત કરીને ટાર્ગેટ પાક ખરીદીનો ટાર્ગેટ પૂરો કરી લે છે અને બાકીના મોટા ભાગના ખેડૂતોને નિરાશ થવું પડે છે. આ મુદ્દે પરેશાન ખેડૂતોએ ધારાસભ્ય સુશીલ સિંહના ઘરની સામે ધામા નાખ્યા હતા. ખેડૂતોનો આક્રશ જાેઈ ભાજપના ધારાસભ્યે સીએમ યોગી આદિત્યનાથને પત્ર લખ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો છે. તેમાં સરકારમાં ચાલતા ભ્રષ્ટાચારની વિગતે વાત કરવામાં આવી છે અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે. આડકતરી રીતે જાેઈએ તો ભાજપના ધારાસભ્યએ પોતે તેમના પર ખેડૂતોનું પ્રેશર આવતા યોગી સરકારમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી દીધો છે. ભ્રષ્ટાચારીઓનો વાળ પણ વાંકો થશે એવું માની લેવું વધારે પડતું છે.