હું દર વર્ષે એક ગુજરાતી ફિલ્મ કરવા માંગુ છું.પરેશ રાવલ

ગુજરાતી ફિલ્મ ડિયર ફાધરની સ્ટાર કાસ્ટ અમદાવાદની મહેમાન બની હતી જેમાં લીડ એક્ટર પરેશ રાવલ, માનસી ગોએલ અને ચેતન ધાનાણી મુખ્ય કલાકાર છે. પરેશ રાવલ આ ફિલ્મથી ૪૦ વર્ષ બાદ ગુજરાતી ફિલ્મમાં પાછા ફર્યા છે.૧૯૮૨માં આવેલી ફિલ્મ નસીબની બલિહારીમાં અભિનય કર્યા પછી પરેશ રાવલ હવે ૨૦૨૨માં ડિયર ફાધર ફિલ્મથી પાછા ફરી રહ્યા છે. આ ફિલ્મ પરેશ રાવલના નાટક ડિયર ફાધરનું ફિલ્મ વર્ઝન છે. આ અંગે વાત કરતા પરેશ રાવલે કહ્યું કે, ‘હું ઘણા સમયથી ઇચ્છતો હતો કે આ નાટકની વાર્તા શક્ય તેટલા વધુ લોકો અને સમાજ સુધી પહોંચે અને હું મારી માતૃભાષામાં બનેલી અર્થપૂર્ણ ફિલ્મનો ભાગ બનું. ઘણા લાંબા સમય પછી ગુજરાતી ફિલ્મમાં પરત ફર્યા તો હવે પછી અન્ય ગુજરાતી ફિલ્મો કરવા અંગે શું વિચાર છે તેના જવાબમાં તેઓએ કહ્યું કે હું ૧૯૭૨થી ગુજરાતી નાટક કરી રહ્યો છું અને હું દિલથી ઇચ્છુ છું કે ગુજરીતામાં સારા કન્ટેન્ટ વાળી વાર્તામાં કામ કરું અને હું દર વર્ષે એક ગુજરાતી ફિલ્મ કરવા માંગુ છું.’ માનસી ગોએલ અને ચેતન ધાનાણીએ પણ તેમના ફિલ્મના શૂટિંગ દરમિયાનના અનુભવ શેર કર્યા હતા.
આ ફિલ્મ એક વૃદ્ધા પિતા અને તેમના પુત્ર-પુત્રવધૂ વચ્ચે રોજિંદા જીવનમાં થતા મતભેદો અને ગેરસમજણોની સ્ટોરી છે ત્યારે તમારા જીવનમાં ડિયર ફાધર જેવી મૂવમેન્ટ આવી કે નહીં તેના જવાબમાં પરેશ રાવલે કહ્યું કે, એક પિતા તરીકે આવા સંજાેગો રોજ સર્જાય છે. બાળકો તેમના જીવનમાં વ્યસ્ત અને તેમની મસ્તીમાં મસ્ત છે ત્યારે પેરેન્ટ્સે જ બાળકો સાથે તાલમેલ બેસાડવા વધારે મહેનત કરવાની છે. જાેકે આજની પેઢી ખૂબ જ પ્રામાણિક અને બ્લન્ટ છે એટલે તેમને સમજવા સરળ છે.
આ ફિલ્મ દ્વારા કોઈ ક્રાંતિ લાવવાનો કે હલ્લાબોલ ન કરતા માત્ર એક સારી સેન્સિબલ ફિલ્મ બનાવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સમય ખૂબ જ સારો આવ્યો છે જેમાં વેન્ટિલેટર, લવની ભવાઈ,ગોળ કેરી, હેલ્લારો, ૨૧મું ટિફિન જેવી ફિલ્મો બની રહી છે ત્યારે આવા સમયે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મસલ્સ મજબૂત કરતી ફિલ્મ બનવી જ જાેઈએ.