એક મહિનામાં ત્રીજીવાર સાબર ડેરી દ્વારા ઘીના ભાવમાં તોતિંગ વધારો

સાબરડેરી દ્વારા ઘીના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવતા ગ્રાહકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. સાબરડેરીએ એક જ મહિનામાં ૩જી વખત ભાવ વધારો ઝીકી દેતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. લૂઝ અને પેકીંગ ઘીના પ્રતિકિલો રૂ.૨૫ ભાવ વધારો જાહેર કર્યો છે. ૧ કિલો લુઝ ઘીનાં પેકીંગના ભાવ જે ૪૪૫ હતા જેમાં વધારો થતાં ૪૭૦ થયા છે. પંદર કિલો ટીનના ભાવો અગાઉ રૂા.૬ હજાર ૬૭૫ હતો જેમાં વધારો થતા ૭ હજારને પાર પહોંચી ગયા છે. સાબરડેરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખી ભાવ વધારો કર્યો હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા તમામ દૂધ ઉત્પાદક મંડળીઓને પાઠવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ તા.૩ ફેબ્રુઆરી સુધી લૂઝ ઘીનો પ્રતિકિલોનો ભાવ રૂ.૪૩૩ હતો. જેમાં સાબરડેરીએ મોંંઘવારી તથા ખાણદાણના ભાવમાં થયેલા વધારાથી દૂધ ઉત્પાદકોને નુકસાન ન થાય તે આશયથી તત્કાલિન સમયે ઘીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જે રૂ.૪૪૫ કરાયો હતો. ત્યારબાદ સાબર ડેરીએ ૧ર ફેબ્રુઆરીના રોજ ઘીના ભાવમાં રૂા.૧૧નો વધારો કર્યો હતો.
પહેલા ડેરીઓમાં લૂઝ ઘી પ્રતિકિલોના રૂ.૪૫૬ના ભાવે વેચાતો હતો. તા.૨૪ ફેબ્રુઆરી સુધી સાબરડેરી નિર્મિત લૂઝ ઘીનો ભાવ પ્રતિકિલોના રૂ.૪૫૬ મુજબ લેવામાં આવતો હતો. પરંતુ દૂધ ઉત્પાદકોને અસરકર્તા કેટલાક પરિબળોને ધ્યાનમાં રાખીને સાબર ડેરીએ લૂઝ ઘીના ભાવમાં પ્રતિકિલોના ભાવમાં અંદાજે રૂ.૧૪નો વધારો જાહેર કર્યો છે. રપ ફેબ્રુઆરીથી આ લૂઝ ઘીનો ભાવ રૂ.૪૭૦ મુકરર કરાયો છે.