અમદાવાદ એરપોર્ટ પરથી બે કેન્યાના નાગરિકો પાસેથી ૬૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતમાં અવિરત રીતે ડ્રગ્સ પકડાઇ રહ્યું છે,જેના લીધે સમગ્ર દેશમાં ગુજરાતની છબી બગડી રહી છે,હવે ડ્રગ્સના વેપારીઓ ગુજરાતને હોટસ્પોટ માનીને અહીથી દેશમાં કારોબાર કરી રહ્યા છે. ફરી એકવાર અમદાવાદના એરપોર્ટ પરથી કરોડોનો ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ એરપોર્ટ પરથી ૬૦ કરોડના ડ્રગ્સનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કેન્યાના બે નાગરિકો પાસેથી ૮.૫ કિલો ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. મેડિકલ વિઝા પર બન્ને આરોપીઓ અમદાવાદ આવ્યા હતા. બેગમાં સ્પેશિયલ ખાનુ બનાવીને ડ્રગ્સની હેરાફેરી કરતા હતા, ત્યારે બન્ને જણાં ઝડપાયા હતા. પકડાયેલ ડ્રગની અંદાજીત બજાર કિંમત ૬૦ કરોડ જેટલી થવા પામી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ડીઆરઆઈ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ)ના અધિકારીઓ દ્વારા ચોક્કસ ઈન્ટેલિજન્સ મળ્યા હતા કે, કેન્યાથી બે મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યા છે અને તેમની સાથે માદક દ્રવ્યો છે. ઉપરોક્ત બાતમીના આધારે, ડ્ઢઇૈંના અધિકારીઓએ એસવીઆઇપી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેન્યાના બે મુસાફરો એક પુરૂષ અને એક મહિલા ને અટકાવ્યા હતા.
તેમના સામાનની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ખાલી થેલીઓમાં વધારાનું વજન હતું અને તે બેગની અંદર ખોટા પોલાણ દર્શાવ્યા હતા. સંપૂર્ણ શોધખોળ કર્યા પછી બેગની બંને બાજુએ સ્પેશિયલ ખાનું મળી આવ્યું હતું. જેમાં કોઈ પ્રકારના દાણા,પાઉડર સાથેના આઠ પ્લાસ્ટિક પેકિંગ છુપાવવામાં આવ્યા હતા. આ પ્લાસ્ટિક પેકિંગ સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં તેમજ બંને મુસાફરોની હાજરીમાં ખોલવામાં આવ્યું હતું અને પ્લાસ્ટિક પેકિંગમાંથી સામગ્રી ખાલી કરવામાં આવી હતી. આ ડ્રગ્સની બજાર કિમત ૬૦ કરોડથી વધુ છે. હાલ પકડાયેલા આરોપીઓની સઘન પુછપરછ ચાલી રહી છે.