સોનાની કિંમતમાં અધધ ૧,૦૦૦ અને ચાંદીમાં ૧,૬૦૦ રૂપિયાનો વધારો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ક્રૂડ ઓઇલની કિંમત આકાશને સ્પર્શી ગઈ છે. દુનિયાભરના શેર બજારમાં કડાકો બોલી ગયો છે. બીજી તરફ સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો જાેવા મળ્યો છે. આજે સવારે મલ્ટી કોમોટિડી એક્સચેન્જ પર સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો જાેવા મળ્યો હતો. સોનાની કિંમતમાં ૨.૦૨ ટકા અને ચાંદીની કિંમતમાં ૨.૪૦ ટકાનો વધારો જાેવા મળ્યો છે. આ સાથે જ સોનાની કિંમત ૫૩,૬૦૦ રૂપિયા અને ચાંદીની કિંમત ૭૦,૮૦૦ રૂપિયાને પાર ચાલી ગઈ છે. બજાર નિષ્ણાતો ગત અઠવાડિયે અનુમાન લગાવી રહ્યા હતા કે બહુ ઝડપથી સોનાની કિંમત ૫૪,૦૦૦ રૂપિયાને પાર જશે.
આજે સવારે ૯ઃ૫૦ વાગ્યે એપ્રિલ ડિલિવરી વાળા સોનાની કિંમતમાં ૧૦૬૨ રૂપિયાનો ઉછાળો જાેવા મળ્યો હતો. સોનું ૨.૦૨ ટકા વધીને ૫૩,૬૨૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ ચાંદીની કિંમતમાં ૧,૬૬૦ રૂપિયાનો મોટો ઉછાળો જાેવામાં આવ્યો હતો. ચાંદી ૨.૪૦ ટકા વધીને ૭૦,૮૨૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહી હતી.
ઓગસ્ટ ૨૦૨૦ દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ ૧૦ ગ્રામ ૫૬,૨૦૦ રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૩,૬૨૧ રૂપિયા જાેવા મળ્યું હતું. આ રીતે સોનું હજુ રેકોર્ડ કિંમતથી ૨,૫૭૯ રૂપિયા સસ્તું મળી રહ્યું છે.