ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મદિવસે દેશભરમાં જાહેર રજા રહેશે, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું

દેશના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર ૧૪ એપ્રિલે હવે દેશભરમાં જાહેર રજા રહેશે. આ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને જાહેરાત કરવામાં આવી છે.
કર્મચારી, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ, ૧૮૮૧ (૧૮૮૧ નો ૨૬) ની કલમ ૨૫ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મદિવસ ગુરુવાર, ૧૪ એપ્રિલ ૨૦૨૨ ના રોજ સમગ્ર ભારતમાં રજા જાહેર કરે છે.
દેશના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરને દેશ અને સમાજ પ્રત્યેના તેમના અમૂલ્ય યોગદાન બદલ ૩૧ માર્ચ, ૧૯૯૦ના રોજ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા હતા.
‘બાબાસાહેબ’ ભીમરાવ આંબેડકરે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય ભાગ લીધો હતો અને જીવનભર સામાજિક પૂર્વગ્રહ સામે લડત આપી હતી. આઝાદી પછી, જ્યારે તેમને રાષ્ટ્રનું બંધારણ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી ત્યારે તેમની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની ગઈ.