નડિયાદ તાન્યા પટેલ હત્યા કેસ દોષિત બે સગા ભાઇ અને માતા સહિત ત્રણેય પાડોશીને આજીવન કેદની સજા ફટકારાઇ

ખેડા જિલ્લાની નડીયાદ કોર્ટે બહુચર્ચિત ૭ વર્ષીય બાળકી તાન્યા પટેલની હત્યા કેસમાં ત્રણેવ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે દોષિત બે સગા ભાઇઓ મિત તથા ધ્રુવ પટેલ અને તેમની માતા જિગીષાને આજીવન કેદની સજા ફટકારી છે.નડિયાદના ડેરી રોડ પર આવેલા લક્ષ ડુપ્લેક્સ સોસાયટી વિસ્તારમાં રહેતી ૭ વર્ષીય સગીર દીકરી તાન્યા પટેલની ૫ વર્ષ પૂર્વે હત્યા થઇ હતી. તાન્યા પટેલનો ઉછેર તેના દાદી કુસુમબેન પટેલ કરી રહ્યા હતા. જ્યારે તાન્યા પટેલના માતાપિતા કામધંધાર્થે લંડન રહે છે. તાન્યા પટેલની હત્યા તેના ઘેરથી ત્રીજા ઘેર રહેતા બે સગા ભાઈ મિત અને ધ્રુવ પટેલે કરી હતી. આ બંને ભાઈઓની માતા જિગીષા પટેલે પણ આ અપરાધમાં ભાગીદાર હતી.
નડીયાદ પશ્ચિમ પોલીસે તાન્યા પટેલની હત્યાના કેસમાં તમામ બાબતોની ચકાસણી કરી આરોપી ભાઈઓ મિત પટેલ, ધ્રુવ પટેલ અને તેની માતા જિગીષા પટેલની ધરપકડ કરી હતી. આરોપીભાઈઓ અને આરોપી માતાના આયોજન પ્રમાણે તો પ્રથમ તાન્યા પટેલનું અપહરણ કરીને તાન્યા પટેલના લંડન સ્થિત માતા પિતા પાસે મોટી રકમ ખંડણી તરીકે માંગવાનું હતુ.
આ હત્યા કેસમાં પ્રથમ તાન્યા પટેલને આરોપી મીતે લલચાવી ફોસલાવી તેની કારમાં બેસાડી નડીઆદથી આણંદ જિલ્લાના આંકલાવ તરફ લઇ ગયો હતો. જે બાદ તાન્યા પટેલનું અપહરણ થયું છે તેવી ખબર નડીયાદના સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા આરોપી ભાઈઓ અને માતાએ ખંડણી માંગવાની યોજના પડતી મૂકી હતી.
તાન્યા પટેલ આરોપીઓની પાડોશી હતી તેમના ઘેર રમવા જતી હતી જેથી તેને જીવતી પરત તેના ઘેર મોકલાય તેમ ન હતી. કારણ કે, તાન્યાને તેના દાદી કે કોઈ પૂછે કે ક્યાં હતી તો આરોપી ભાઈઓ અને માતાની ઓળખ છતી થઇ જાય તેમ હતી. માટે આરોપી ભાઈઓ અને માતાએ તાન્યા પટેલની હત્યાની યોજના બનાવી દીધી હતી.
તાન્યા પટેલને આણંદ જિલ્લાના આંકલાવ પાસે આવેલી નાની સંખ્યાડ ગામ કે જ્યાંથી મહીસાગર નદી પસાર થાય છે ત્યાં બ્રિજ પર લઇ જઈ બ્રિજ પરથી મહીસાગર નદીમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ, તાન્યા પટેલ મહીસાગર નદી ના પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતુ.ત્રણ દિવસ બાદ તાન્યાની લાશ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નાની સંખ્યાડ ગામની મહીસાગર નદીના પટમાંથી મળી હતી. નડીયાદ પશ્ચિમ પોલીસ, સિટી ટાઉન પોલીસ, નડીયાદ એલસીબી, નડીઆદ એસઓજીએ સંયુક્ત તપાસ હાથ ધરતા સગીર હત્યાનો ભોગ બનનાર તાન્યા પટેલના પાડોશી બે ભાઈઓ મિત, ધ્રુવ અને તેની માતા જિગીષા પટેલની સંડોવણી બહાર આવી હતી. જે બાદ પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી તેમની વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સદર કેસ ચાલી જતા નડીઆદ કોર્ટ આજે સંભળાવી છે.