જામનગરમાં ૧૬ અનાથ દીકરીઓના કન્યાપૂજન અને લગ્નોત્સવ ભવ્યતાથી યોજાયો

જામનગરમાં ૧૬ અનાથ દીકરીઓના અનોખા લગ્નોત્સવ – કન્યાદાન પ્રસંગ ધામધૂપૂર્વક યોજાયો હતો. તપોવન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા આ વિશેષ પ્રસંગે જુનાગઢ ભવનાથ ગોરખનાથ આશ્રમ ના પૂ. શેરનાથજીબાપુ, શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્ય પીઠ શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર ના ૧૦૮ શ્રી કૃષ્ણમણિજી મહારાજ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ૧૬ અનાથ દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા છે.
છોટી કાશી ગણાતા જામનગરના રણજીત નગર ખાતે આવેલા પ્રણામી સ્કુલની વાડીમાં મા-બાપ વગરની ૧૬ દીકરીઓના અનોખા લગ્ન ઉત્સવ કન્યાદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તપોવન ફાઉન્ડેશન દ્વારા સૌપ્રથમ વખત સર્વજ્ઞાતિય મા-બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન ઉમળકાભેર કરવામાં આવ્યું હતું. જેમાં સંતો મહંતો અને મહાનુભાવો ઉપરાંત મોટી સંખ્યામાં શ્રેષ્ઠીઓએ પણ હાજરી આપી આ સમૂહ લગ્નને ચાર ચાંદ લગાવ્યા હતા.
જામનગરના રણજીત નગરમાં આવેલા હરસિધ્ધિ મંદિર ખાતેથી ૧૬ રાજાઓના વાજતે ગાજતે વરઘોડા નીકળ્યા હતા અને આ વરઘોડા પ્રણામી સ્કુલના વાડી ખાતે પહોંચ્યા હતા.જ્યાં આતશબાજી સાથે સામૈયા પણ કરવામાં આવ્યા હતા. બાદમાં ૧૬ માતા પિતા વગરની અનાથ કન્યાઓના દીકરીઓ વગરના યુગલો દ્વારા કન્યાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં જામનગર પણ ઉમટી પડ્યા હતા.
પ્રણામી સ્કુલ દિવાળીના વિશાળ મેદાનમાં ૧૬ દીકરીઓના અલગ-અલગ લગ્નમંડપમાં ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી અનેરી વ્યવસ્થા સાથે તપોવન ફાઉન્ડેશન દ્વારા સૌપ્રથમ વખત લગ્ન વિધિ નું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન ઉત્સવ દરમ્યાન ખાસ લગ્ન ગીતો પણ વાજિંત્રો સાથે ગાવામાં આવ્યા હતા.
જામનગરમાં આયોજિત સર્વજ્ઞાતિય ૧૬ અનાથ દીકરીઓના લગ્ન પૂર્વે મંડપમાં જતાં જ ગ્રાન્ડ એન્ટ્રી પણ કરવામાં આવી હતી. તપોવન ફાઉન્ડેશનના કાર્યકરોએ સુશોભિત છત્રી સાથે સ્ટેજ પાસેથી જ્યારે કન્યાઓ લગ્નમંડપ તરફ પસાર થતી હતી ત્યારે જ સંતો મહંતો અને અગ્રણીઓ દ્વારા પુષ્પવૃષ્ટિ કરી કન્યાઓની વંદના કરવામાં આવી હતી. ત્યારબાદ ફટાકડાની આતશબાજી વચ્ચે કન્યાઓને લગ્ન મંડપ સુધી પહોંચાડવામાં આવી હતી. જામનગરમાં સૌપ્રથમ વખત થીમ આધારિત સમૂહ લગ્નોત્સવમાં ૧૬ જેટલી અનાથ દીકરીઓને પ્રભુતામાં પગલાં માંડવાના પ્રસંગે ઉપસ્થિત લોકો પણ ભાવવિભોર બન્યા હતા.