અમદાવાદમાં રેકોર્ડ ૪૭ ડીગ્રી, રાજ્યનાં ૧૩ શહેરમાં તાપમાનનો પારો ૪૬ ડીગ્રીને પાર ગાંધીનગર, ઈડર, મહેસાણા, હિંમતનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાત જાણે અગનભઠ્ઠી બન્યું

ગુજરાત આ ઉનાળે રીતસર અગનભઠ્ઠી બની ગયું છે અને અમદાવાદમાં આજે તાપમાન ૪૭ ડીગ્રીને પાર થઈ ગયું છે. હજી પણ આવતીકાલે પારો ૪૮ ડીગ્રીએ પહોંચશે તો ૧૦૦ વર્ષનો રેકોર્ડ તૂટશે. બીજી તરફ, રાજ્યનાં ૧૩ શહેરમાં તાપમાન આજે રેકોર્ડ ૪૬ને પાર થઈ ગયું છે અને આ ગરમીથી બચવા ક્યાં જવું અને શું કરવું એ લોકો વિચારતા થઈ ગયા છે. હજી પણ ચાર દિવસ સુધી આવી ગરમી બાદ આંશિક રાહત મળે એવી હવામાન વિભાગની આગાહી છે.
અમદાવાદમાં આજે સવારે ૮ વાગ્યે જાણે ૧૧ વાગ્યા હોય એવી ગરમી શરૂ થઈ ગઈ હતી, જ્યારે બપોરે ૨ વાગતા સુધી તો ગરમી પીક પર પહોંચી ગઈ હતી અને ૪૭ ડીગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. આ સ્થિતિમાં મોડી સાંજ સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહે એવી પૂરેપૂરી શક્યતા છે. હજી પણ આવતીકાલે આ રીતે જ ભીષણ ગરમી ચાલુ રહે તો નવાઈ નહીં. બેકાબૂ સૂર્યપ્રકોપને જાેતાં હવામાન વિભાગે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ સિવાય વડોદરામાં ૪૫, મહેસાણા-હિંમતનગરમાં ૪૫, ગોધરા-ખેડબ્રહ્મામાં ૪૫, નડિયાદ ૪૫, ધોળકામાં ૪૫, ભાવનગર-અમરેલીમાં ૪૩ અને રાજકોટ જૂનાગઢમાં ૪૨ ડીગ્રી તાપમાન નોંધાયું છે.
રવિવારથી ઉત્તર-પશ્ચિમના પવન શરૂ થયો હતો, જેની અસરથી રવિવારથી ગરમીનો પારો અચાનક વધ્યો છે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે રણ-સૂકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે, જેથી રવિવારથી ગુજરાત-અમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હીટવેવથી ગરમીનો પારો વધ્યો છે.
અમદાવાદમાં મે મહિનામાં પડેલી ગરમી
વર્ષ ડીગ્રી
૨૦૧૧ ૪૩.૪
૨૦૧૨ ૪૩
૨૦૧૩ ૪૪.૩
૨૦૧૪ ૪૪.૫
૨૦૧૫ ૪૪.૬
૨૦૧૬ ૪૮
૨૦૧૭ ૪૩.૬
૨૦૧૮ ૪૪.૮
૨૦૧૯ ૪૪.૩
૨૦૨૦ ૪૪.૧
૨૦૨૧ ૪૩
૨૦૨૨ ૪૭