રાજકારણ

અમિતશાહ પાણી પીવે છે એ એક બોટલની કિંમત ૮૫૦ રૂપિયા છે ઃ ગોવાના મંત્રીનો ખુલાસો ભવિષ્યમાં ભારત સહિત વિશ્વભરમાં પાણીની તંગી સર્જાશે. લોકો પાણી માટે અંદરોઅંદર ઝઘડો પણ કરી શકે છે ઃ રવિ નાઇક

ગોવાના નાગરિક પુરવઠા મંત્રી રવિ નાઈકે કરેલા દાવા પ્રમાણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ખૂબ જ મોંઘુ પાણી પીવે છે. આ સાથે જ તેમણે ભવિષ્યમાં પાણી સોના અને હીરા જેટલું મોંઘુ થઈ જશે તે પ્રકારની ચિંતા વ્યક્ત કરી હતી. ગોવાના મંત્રીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વર્તમાન પ્રવાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તેમણે કથિત રીતે હિમાલય મિનરલ વોટરની માગણી કરી હતી જેની એક બોટલની કિંમત ૮૫૦ રૂપિયા છે. નાઈક કૃષિ વિભાગ પણ સંભાળે છે અને દક્ષિણ ગોવાના પોંડા ખાતે કૃષિ માટેના વહીવટી ભવનના ઉદ્‌ઘાટન દરમિયાન તેમણે આ અંગે વાત કરી હતી.

એક અમેરિકી સમાચાર પત્રમાં પ્રકાશિત લેખનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં પાણીની કિંમત સોના અને હીરાની સમાન સ્તરે આવી જશે. આ કારણે આપણે પાણીને સંરક્ષિત કરવાની જરૂર છે. રાજ્યમાં દરેક સીઝન વખતે આશરે ૧૨૦ ઈંચ વરસાદ થાય છે માટે પાણીને સંરક્ષિત કરવું મુશ્કેલ નહીં બને. સરકાર સમગ્ર રાજ્યમાં જ્યાં પણ પહાડ છે ત્યાં બાંધ બનાવી શકે છે અને પાણી એકઠું કરી શકે છે.

રવિ નાઈકે અગાઉ કહ્યું હતું કે, દેશના બાકીના ક્ષેત્રોમાં પાણીનો પુરવઠો પહોંચાડી શકાય તેમ છે અને એટલે સુધી કે, અન્ય દેશોને પણ તેની નિકાસ કરી શકાય તેમ છે. નાઈકે સ્ટેજ પરથી પોતાના અધિકારીઓ સાથે કિંમતની પૃષ્ટિ કરતા કહ્યું કે, અમિત શાહ જ્યારે ગોવામાં હતા ત્યારે તેમણે હિમાલયની પાણીની બોટલ માગી હતી. તેને માપુસા (પણજીથી આશરે ૧૫ કિમી દૂર)થી લાવવામાં આવી હતી. તેની કિંમત ૮૫૦ રૂપિયા પ્રતિ બોટલ હતી.

વધુમાં જણાવ્યું કે, લક્ઝરી હોટેલ્સમાં પણ મિનરલ વોટરની બોટલ્સ ૧૫૦ થી ૧૬૦ રૂપિયાની વચ્ચે મળે છે. આમ પાણી મોંઘુ થઈ ગયું છે. ભવિષ્યમાં ભારત સહિત વિશ્વભરમાં પાણીની તંગી સર્જાશે. લોકો પાણી માટે અંદરોઅંદર ઝઘડો પણ કરી શકે છે. ભવિષ્યમાં આવી સ્થિતિ સર્જાઈ શકે છે. વર્તમાન સ્થિતિને જાેતાં પાણીનું સંરક્ષણ કરવામાં આવે તે સમયની જરૂરિયાત છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button