Uncategorized

મુખ્યમંત્રી કેજરીવાલે ઘટનાસ્થળની મુલાકાત લીધી, મૃતકના પરિવારને ૧૦ લાખ તથા ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય

દિલ્હીમાં લાગેલી આગ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી સિસોદિયા ઘટનાસ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા. કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હી સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આગમાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયાની સહાય તેમજ ઈજાગ્રસ્તોને ૫૦-૫૦ હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી.

એ યાદ રહે કે દિલ્હીમાં શુક્રવારે મુંડકા મેટ્રો સ્ટેશન પાસે ત્રણ માળના કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ૨૭ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં ફાયર સ્ટાફના બે કર્મચારીનો પણ સમાવેશ થાય છે. ૧૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, ૧૯ લોકો હજુ લાપતા છે. પોલીસે બિલ્ડિંગના માલિક હરીશ ગોયલ અને વરુણ ગોયલની અટકાયત કરી લીધી છે. આગ લાગવાની જાણ શુક્રવાર સાંજે ૪.૪૦ વાગ્યે મળી હતી. સાત કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જાેકે રાતના ૧૨ વાગ્યે ફરી આગ લાગી હતી, જેને ત્યાં હાજર ફાયર સ્ટાફે કાબૂ કરી લીધી હતી. રેસ્ક્યૂ ટીમે બિલ્ડિંગના કાચ તોડીને લોકોને બચાવ્યા હતા. રાત્રે એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

જે બિલ્ડિંગમાં આગ લાગી ત્યાં ઘણી કંપનીની ઓફિસો હતી. અહીં લગભગ ૧૫૦ લોકોને રેસ્ક્યૂ કરાયા હતા. ૧૦૦ લોકોની ટીમને તહેનાત કરાઈ હતી. દિલ્હી પોલીસે ઘટનાસ્થળની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવ્યો હતો, જેનાથી ઘાયલોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી શકાય. સીએમ ઓફિસે હેલ્પનાઈન નંબર ૦૧૧-૨૫૧૯૫૫૨૯, ૦૧૧-૨૫૧૦૦૦૯૩ બહાર પાડ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘટનાને લઇ શોક વ્યકત કર્યો છે અને આર્થિક સહાયની જાહેરાત કરી છે

દિલ્હીના ડીસીપી સમીર શર્માએ કહ્યું, ‘બિલ્ડિંગમાં બચાવકાર્ય હજુ પૂર્ણ થયું નથી. કદાચ અહીં કેટલાક વધુ મૃતદેહો મળી શકે છે. અત્યારસુધી જે મૃતદેહો મળ્યા છે એ એવી હાલતમાં હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે, જેથી પોલીસ ફોરેન્સિક ટીમની મદદ લેશે. ગુમ થયેલા લોકો સાથે તેમનાં સેમ્પલની તપાસ કરાશે, જેથી મૃતકોની ઓળખ થઈ શકે. ગુમ થયેલા લોકોની યાદી તૈયાર કરવામાં આવશે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે મેટ્રો સ્ટેશનના પિલર ૫૪૪ પાસે બનેલી આ ઈમારત ૩ માળની કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેને ઓફિસ સ્પેસ તરીકે કંપનીઓને ભાડે આપવામાં આવી છે. આ બિલ્ડિંગની ફાયર એનઓસી ન હતી. પોલીસે બિલ્ડિંગના માલિક હરીશ ગોયલ, વરુણ ગોયલને કસ્ટડીમાં લીધા છે.બિલ્ડિંગનો મુખ્ય દરવાજાે જમણી બાજુની શેરીમાંથી પસાર થાય છે. મુખ્ય દ્વારનો પ્રવેશ એટલો સાંકડો છે કે એક સમયે માત્ર એક જ વ્યક્તિ પ્રવેશ કરી શકે છે અથવા બહાર નીકળી શકે છે. અમે બિલ્ડિંગમાં પ્રવેશતા હતા ત્યારે ચારેબાજુ કાચ વિખરાયેલા હતા. મુખ્ય દરવાજામાં પ્રવેશ્યા પછી જ જમણી બાજુએ ઉપરના માળે જતી સામે એક લિફ્ટ અને સીડીઓ હતી. સીડીની પહોળાઈ માત્ર ૩ ફૂટ જેટલી છે. આખી ઇમારતમાં અમે દરવાજાની આસપાસ અને છત પર ફાયર સેફ્ટીનાં સાધનો શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ ન તો આગ બુઝાવવાનું સાધન મળ્યું કે ન તો કોઈ હાઇડ્રેન્ડ મળ્યું. કટોકટીની સ્થિતિમાં આગને કાબૂમાં લેવા માટે છત પર કોઈ લાલ રંગની પાઈપો ન હતી, જેથી આગ પર કાબૂ મેળવી શકાય. બિલ્ડિંગમાં ઉપરના માળે ગયા તેમ એ વધુ ગરમ થઈ રહ્યું હતું. ફાયર ટેન્ડરોએ ઈમારત પર જે વોટર કેનન્સથી પાણી છાંટ્યું હતું એ પાણી સર્વત્ર ગરમ થઈ ગયું હતું અને ટપકતું હતું. ઈમારતમાં માત્ર મુખ્ય માળખાના થાંભલા જ દેખાતા હતા અને બાકીની તમામ વસ્તુઓ, ટેબલ, ખુરશીઓ, કાગળો, બધું જ રાખ થઈ ગયું હતું. રાખમાંથી હજુ પણ ધુમાડો નીકળી રહ્યો હતો.

બિલ્ડિંગના પહેલા માળે ઝ્રઝ્ર્‌ફ ફેક્ટરી અને વેરહાઉસ છે. અહીં શોર્ટસર્કિટને કારણે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખું બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું હતું. ફેક્ટરીમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરતા હતા, એમાં મોટી સંખ્યામાં મહિલાઓ હતી. બિલ્ડિંગમાં એક જ પ્રવેશ અને બહાર નીકળવાને કારણે બચાવકાર્ય જસદીથી શરૂ થઈ શક્યું નહીં. ખૂબ જ ભીડભાડવાળી જગ્યાને કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલી પડી હતી.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button