જૂનાગઢ / ગિરનાર રોપ-વેમાં વેકેશનને લઈને પ્રવાસીઓ માટે ૧૦ ટિકિટ પર એક ટિકિટ ફ્રી

હરવા-ફરવાની બાબતમાં ગુજરાતીઓનો પહેલેથી જ અલગ અંદાજ છે. તેમાં પણ શાળાઓમાં વેકેશન હોય એટલે ગુજરાતીઓ પ્રવાસન સ્થળો તરફ દોટ મુકતા હોય છે.જેને પગલે પ્રવાસન સ્થળો માનવ મહેરામણથી ઉભરાઇ છે. તેવા સંજાેગો વચ્ચે હાલ વેકેશનને કારણે ગરવા ગિરનારની ગોદમાં પ્રકૃતિના ખોળે આનંદ માણવા લોકો ગિરનારની વાટ પકડી છે. જેથી પ્રવાસીઓ માટે રોપ-વેમાં ૧૦ ટિકિટ પર એક ટિકિટ ફ્રીની ઓફર આપવામાં આવી છે.
હાલ રાજ્યની શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે. બીજી બાજુ કોરોનાએ માંડ કેડો છોડ્યો છે. જેને પગલે કોરોના કાળમાં ભેંકાર ભાસતા ગિરનારમાં હાલ મોટી સાંખ્યામાં ભક્તો-પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ત્યારે રાજ્યની શાળાઓમાં ચાલતા ઉનાળુ વેકેશનને લઈને ધ્યાને લઈ ગિરનાર રોપ-વેમાં ખાસ ઓફર આપવામા આવી છે. સબંધિત પ્રશાસન દ્વારા પ્રવાસીઓ માટે ૧૦ ટિકિટ પર એક ટિકિટ ફ્રીની ઓફર જાહેર કરવામાં આવી છે. શરતોને અધીન પ્રવાસીઓને આ સ્કીમનો લાભ આપવામાં આવશે. જેમાં ૨ દિવસ પહેલા ઓનલાઈન બુકિંગ કરાવવું ફરજિયાત છે. એટલે કે ઓનલાઈન બુકિંગ કરનાર પ્રવાસીઓને ઓફરનો લાભ મળશે.
મહત્વનું છે કે હાલ ઉનાળુ વેકેશનને કારણે દિવસેને દિવસે જૂનાગઢ-ગિરનારમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જાેવા મળી રહ્યો છે. કારણ કે બે વર્ષથી કોરોના સહિતની પ્રતિકૂળતાને લીધે ગિરનારમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાળો આવ્યો હતો. જેથી હોટેલ, ખાણી-પીણી સહિતના ધંધા મંદીના માચડે લટકતા હતા. કોરોના કાળ બાદ ગિરનાર ફરી સહેલાણીઓની પસંદગી બનતા અગાઉ સૂમસામ ભાંસી રહેલ બજારોમાં ચેતનવંતા પ્રાણ પુરાયા છે. આમ હવે કોરોના બાદ ગિરનારના સ્ટ્રીટ વેન્ડરો, હોટલ-ઉદ્યોગ સહિત મોટા વ્યવસાય સાથે સંકળાયેલ ધંધાર્થીઓમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. અને પ્રવાસન ઉધ્યોગની મુરઝાયેલ રોનક ફરી સોળે કળાએ ખીલી રહી છે.