અયોધ્યામાં રામમંદિર બનવાથી નેપાળના લોકો પણ ખુશી અનુભવી રહ્યા હશે ઃ વડાપ્રધાન મોદી

બુદ્ધ પૂર્ણિમાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે આશરે ૧૦.૩૦ વાગે નેપાળના લુંબિની પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોને સંબોધન આપતા કહ્યું કે માયા દેવી મંદિરમાં દર્શન કરવાનો જે અવસર પ્રાપ્ત થયો તે મારા માટે સૌભાગ્યની વાત છે. જ્યાં ભગવાન બુદ્ધે જન્મ લીધો ત્યાંની ચેતના અદ્ભુત છે. ૨૦૧૪માં જે છોડ રોપ્યો તે આજે વૃક્ષ બની ગયુ છે.
નેપાળે પોતાના આધ્યાત્મિક આશીર્વાદથી મને કૃતાર્થ કર્યો છે. નેપાળ વગર અમારા રામ અધૂરા છે. આજે આયોધ્યામાં રામજીનું મંદિર બની રહ્યું છે તો નેપાળના લોકો પણ આ વાતની ખુશી અનુભવી રહ્યા હશે. નેપાળ સાથેના સારા સંબંધો ભારત માટે મોટી પૂંજી સમાન છે.
તેમણે કહ્યું આજની પરિસ્થિતિઓમાં ભારત-નેપાળની મિત્રતા સમગ્ર માનવતાની મદદ કરશે. બુદ્ધ બોધ પણ છે અને શોધ પણ. બુદ્ધ વિચાર પણ છે. બુદ્ધે માનવતાને જ્ઞાનની અનુભતિ કરાવી. તેમણે સાહસ આપ્યું. તેમનો જન્મ સાધારણ બાળકના રુપે નહોતો થયો. તેમણે બતાવ્યું છે કે પ્રાપ્તિથી વધુ મહત્વ ત્યાગનું છે. તેથી જ તેમણે જંગલોમાં શોધ કરી તપ કર્યું.
આ સંબોધન અગાઉ બંને દેશોના વડાપ્રધાનોએ વિકાસ અને કનેક્ટિવિટી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તે સિવાય પીએમ મોદીએ સાંસ્કૃતિક અને શિક્ષાના ક્ષેત્રમાં સહયોગથી જાેડાયેલ ૬ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યાં. અહીં તેમણે નેપાળમાં ભારતની પહેલ પર બની રહેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બૌદ્ધ કલ્ચર એન્ડ હેરિટેજનો શિલાન્યાસ કર્યો. આ જગ્યાએ બૌદ્ધ પરંપરા પર સ્ટડી કરવામાં આવશે.
આ પહેલા નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ હેલિપેડ પર તેમનું સ્વાગત કર્યું. બંને વડાપ્રધાનોએ માયા દેવી મંદિરમાં પૂજા-અર્ચના કરી. ત્યાર બાદ તેમણે પુષ્કર્ણી તળાવની પરિક્રમા કરી. તેની સાથે-સાથે તેમણે પવિત્ર બોધિ વૃક્ષની પણ પૂજા કરી હતી.
વડાપ્રધાન મોદી ૨૫૬૬મી બુદ્ધજયંતીની ઉજવણીમાં પણ હાજરી આપી અને અને બૌદ્ધ વિદ્વાનો અને સાધુઓ સહિત નેપાળ તથા ભારતના લોકોને સંબોધન કર્યું હતું વડાપ્રધાનની આ મુલાકાતનો હેતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરા સાથે નેપાળ-ભારત વચ્ચે સદીઓ જૂના ધાર્મિક સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે.
મોદી ૨૦૧૪થી અત્યારસુધી ચાર વખત નેપાળની મુલાકાત લઈ ચૂક્યા છે. એ જ સમયે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ આ તેમની પ્રથમ નેપાળ મુલાકાત છે. પીએમ મોદીએ તેમની છેલ્લી મુલાકાતમાં કાઠમંડુમાં પશુપતિનાથ મંદિર, જનકપુર ધામમાં જાનકી માતા મંદિર અને મુસ્તાંગમાં મુક્તિનાથ મંદિરની મુલાકાત લીધી હતી.
નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ તાજેતરમાં તેમની ભારત મુલાકાત દરમિયાન નવી દિલ્હી અને વારાણસીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કાશી વિશ્વનાથ અને કાલ ભૈરવ મંદિરમાં પૂજા- અર્ચના કરી હતી. આ પછી તેણે વારાણસીમાં વિધવાઓ માટે શેલ્ટર હોમનો પણ પાયો નાખ્યો.