જીવનશૈલી

ઉત્તર ભારતના તાપમાનમાં ઘટાડો નોંધાયો, આગામી દિવસોમાં ગરમીથી રાહત મળશે

ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં પ્રદેશના કેટલાક ભાગોમાં આંધી અને વરસાદને કારણે ગરમીથી રાહત મળવાની સંભાવના છે. આઇએમડી અનુસાર, દિલ્હીમાં તાપમાનનો પારો ૪૨.૪ ડિગ્રી સેલ્સિયસ પર આવી ગયો છે. રવિવારે દિલ્હીમાં વર્ષનો સૌથી ગરમ દિવસ (૪૫.૬ ડિગ્રી સેલ્સિયસ) નોંધાયો હતો. નજફગઢ, મુંગેશપુર, સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ, જાફરપુર, આયાનગર, પિતામપુરા અને રિજ ખાતેના સ્વચાલિત હવામાન મથકોએ મહત્તમ તાપમાન ૪૪.૭ સેલ્સિયસ નોંધ્યું હતું.ઉત્તર પશ્ચિમ દિલ્હીના મુંગેશપુરમાં તાપમાનનો પારો ૪૯.૨ ડિગ્રી અને નજફગઢમાં ૪૯.૧ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો.આઇએમડીએ કહ્યું કે વાવાઝોડા અથવા ધૂળની ડમરીના કારણે તાપમાનનો પારો થોડાક ડિગ્રી નીચે આવી શકે છે. બુધવારે તાપમાન ફરી વધવા લાગશે અને શુક્રવારે તે ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે.

હરિયાણા અને પંજાબમાં પણ મહત્તમ તાપમાનમાં થોડી ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, પરંતુ તે સામાન્ય કરતાં ઘણું વધારે રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુગ્રામ, હરિયાણામાં રવિવારે તાપમાનનો પારો ૪૮.૧ ડિગ્રી સેલ્સિયસથી ઘટીને સોમવારે ૪૪.૭ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો છે. હિસારમાં મહત્તમ તાપમાન ૪૨.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સિરસાનું મહત્તમ તાપમાન એક દિવસ અગાઉ ૪૭.૨ ડિગ્રી સેલ્સિયસથી ઘટીને ૪૧.૮ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. પંજાબના અમૃતસરમાં રવિવાર કરતાં ચાર ડિગ્રી ઓછું તાપમાન ૪૨.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લુધિયાણામાં ૪૧.૭ ડિગ્રી સેલ્સિયસ, પટિયાલામાં ૪૨.૧ ડિગ્રી, જલંધરમાં ૪૧.૮ ડિગ્રી અને મોહાલીમાં ૪૧.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો પારો નોંધાયો હતો. બંને રાજ્યોની સહિયારી રાજધાની ચંદીગઢમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હિમાચલ પ્રદેશના શિમલામાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સોમવારથી બુધવાર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ અને વરસાદ સાથે હળવા કરા પડવાની સંભાવના છે. રાજ્યના ઉચ્ચ વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો બેથી પાંચ ડિગ્રીની નીચે રહ્યો હતો. ધોલપુર ૪૬.૧ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ સ્થળ હતું. પશ્ચિમ ઓડિશામાં રાતોરાત મધ્યમથી ભારે વરસાદ સાથે સૂકી મોસમનો અંત આવ્યો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડીથી ઉત્તરપૂર્વ અને પૂર્વ ભારત તરફના મજબૂત દક્ષિણ-પશ્ચિમ પવનોને કારણે, આગામી ત્રણ-ચાર દિવસમાં ઓડિશામાં ગાજવીજ સાથે વરસાદ અને ધૂળવાળા પવનો સાથે વરસાદની સંભાવના છે.

મધ્યપ્રદેશને પણ હીટવેવની સ્થિતિમાંથી રાહત મળે તેવી શક્યતા છે, કારણ કે હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં પારો ગગડવાની આગાહી કરી છે આઇએમડીની ભોપાલ ઓફિસના વરિષ્ઠ હવામાનશાસ્ત્રી પીકે સાહાએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશમાં જૂનના મધ્ય સુધીમાં ચોમાસું આવવાની સંભાવના છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button