184 લોકોના જીવ બચાવનાર કમાન્ડર (WS) ADG કે. આર. સુરેશ, PTM, TM સેવા આપ્યા બાદ સેવાનિવૃત્ત થઇ રહ્યા છે

તટરક્ષક કમાન્ડર (પશ્ચિમી સી-બોર્ડ) અધિક મહાનિદેશક કે.આર. સુરેશ, PTM, TM, 31 માર્ચ 2024ના રોજ સેવામાંથી નિવૃત્ત થઇ રહ્યા છે. ADGએ 37 વર્ષ સુધી અપ્રતિમ સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરીને નેતૃત્વ અને ઉત્કૃષ્ટતાનો વારસો છોડ્યો છે.
આ અધિકારીનો જન્મ ચેન્નાઇમાં થયો હતો અને 19 જાન્યુઆરી 1987ના રોજ તેઓ ભારતીય તટરક્ષકમાં જોડાયા હતા. અધિક મહાનિદેશકના હોદ્દા પર બઢતી મળવાથી, તેમણે 13 સપ્ટેમ્બર 2022થી પશ્ચિમી સી-બોર્ડની કમાન સંભાળી હતી અને લગભગ 19 મહિનાથી કમાન્ડમાં હતા. આ સમયગાળા દરમિયાન પશ્ચિમી સી-બોર્ડે 184 લોકોના જીવ બચાવ્યા છે, 26 સફળ તબીબી સ્થળાંતરણ કર્યા છે અને પશ્ચિમી સમુદ્ર કાંઠાના EEZના કિનારે આવેલા ટાપુઓમાં પણ સફળતાપૂર્વક બચાવ કામગીરી કરી છે. નાર્કોટિક્સ અને દાણચોરી વિરોધી કામગીરીમાં સી-બોર્ડે સફળતા હાંસલ કરી હતી જેમાં રૂપિયા 1,700 કરોડનું નાર્કોટિક્સ ડ્રગ્સ, ગેરકાયદે ડીઝલ, તમાકુ ઉત્પાદનોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય તટરક્ષક પશ્ચિમી સી-બોર્ડના તેઓ ટોચના હોદ્દે રહ્યા તે દરમિયાન પશ્ચિમી સી-બોર્ડની ટીમને પ્રતિષ્ઠિત 02 રાષ્ટ્રપતિ તટરક્ષક પદક, 05 તટરક્ષક પદક અને 209 મહાનિદેશક ભારતીય તટરક્ષક પ્રશસ્તિથી સન્માનિત કરવામાં આવી છે.
અધિકારી કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક વોરફેરના નિષ્ણાત છે. તેઓ નવી દિલ્હી સ્થિત પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ કોલેજ, મુંબઈ સ્થિત કોલેજ ઓફ નેવલ વોરફેર, અને ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજ વેલિંગ્ટનના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહ્યા છે.
ફ્લેગ ઓફિસરે તેમની ઉજ્જવળ કારકિર્દી દરમિયાન તટરક્ષક જહાજોના લગભગ તમામ વર્ગોના સંચાલનનો કાર્યભાર સંભાળ્યો છે. તટીય પ્રદેશોમાં તેમની મહત્વપૂર્ણ કમાન્ડ નિમણૂકોમાં કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન (આંદામાન અને નિકોબાર), કમાન્ડર કોસ્ટ ગાર્ડ સ્ટેટ કર્ણાટક અને કમાન્ડિંગ ઓફિસર ICGS મંડપમનો સમાવેશ થાય છે. તેમણે નવી દિલ્હીમાં CGHQ ખાતે અગ્ર નિયામક (ઓપરેશન્સ અને સમુદ્રી સુરક્ષા), મુંબઈ ખાતે બ્યૂરો ઓફ નાવિક્સના ઓફિસર-ઇન-ચાર્જ અને તટરક્ષક વડામથકમાં નાયબ મહાનિદેશક (પરિચાલન અને સમુદ્રી સુરક્ષા) જેવા વિવિધ મુખ્ય સ્ટાફ નિયુક્તિના હોદ્દાઓ પણ સંભાળ્યા છે. નવી દિલ્હીમાં CGHQ ખાતે DDG (પરિચાલન અને સમુદ્રી સુરક્ષા) તરીકેના કાર્યકાળ દરમિયાન, ICG એ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરની કામગીરી અને કવાયતના સંચાલનમાં નવેસરથી પરિચાલન ઉત્સાહ અને ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
ADG સુરેશના લગ્ન શ્રીમતી જયંતિ સુરેશ સાથે થયા છે અને 34 વર્ષ કરતાં વધુ સમયથી દાંપત્યજીવન વિતાવી રહ્યા છે. આ દંપતીને એક પુત્રી શ્વેતા છે, જે વ્યવસાયે એન્જિનિયર છે. તેમના લગ્ન મહેશ સાથે થયા છે અને એક પૌત્ર છે જેનું નામ લક્ષ છે. ફ્લેગ ઓફિસર તેમના ગૃહ નગર ચેન્નાઇમાં સ્થાયી થશે.