વડોદરામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારીને મહિલાની ઘાતકી હત્યા, હત્યારો પરિવારનો જ હોવાની પોલીસને શંકા

વડોદરામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારીને મહિલાની ઘાતકી હત્યા, હત્યારો પરિવારનો જ હોવાની પોલીસને શંકા
વડોદરા શહેરના સમા રોડ પર આવેલા મહેશ કોમ્પલેક્ષમાં આજે ધોળે દિવસે મહિલાની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. તિક્ષ્ણ હથિયાર વડે મહિલાને 30 જેટલા ઘા મારીને અજાણ્યો હત્યારો ફરાર થઇ ગયો હતો. હત્યારો પરિવારનો હોવાની પોલીસને શંકા છે. હત્યારો રસોડાના પાછળના ભાગેથી ફરાર થઇ ગયો હોવાનું પોલીસને અનુમાન છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મહિલાના પતિ પરેશભાઇ અને જેઠ દિલીપભાઇ પૂછપરછ હાથ ધરી છે.
હત્યા સમયે ઘરમાં દિપાબેન એકલા હતા
વડોદરા શહેરના સમા રોડ પર આવેલા 106, મહેશ કોમ્પલેક્ષમાં પરેશભાઇ અમૃતભાઇ દરજી તેમના પત્ની દિપાબેન(30), સાત વર્ષનો પુત્ર પ્રિન્સ અને માતા-પિતા સાથે રહેતા હતાં. પરેશભાઇ અને તેમના પિતા અમૃતભાઇ સમા વિસ્તારમાં ભૂમિપૂજન નામની લેડિઝ ટ્રેલરની દુકાન ચલાવે છે. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ દિપાબેન ઘરે એકલા હતા તે સમયે તેમના ઘરમાં અજાણ્યો વ્યક્તિ ઘૂસી આવ્યો હતો. અને દિપાબેનના શરીરમાં તિક્ષ્ણ હથિયારના 30 જેટલા ઘા મારી દીધા હતા. અને હત્યારો સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.
રિપોર્ટર.
આર્યનશી ઝાલા