દેશ દુનિયા

DNA ટેસ્ટે 38 વર્ષ બાદ હોસ્પિટલની મોટી ભૂલનો કર્યો ખુલાસો, જન્મ સમયે બે નવજાત બાળકોની થઈ હતી અદલાબદલી; હવે બંને પરિવારો પહોંચ્યા કોર્ટમાં

કોલોરાડો સિટી, કોલોરાડો

અમેરિકામાં લગભગ ચાર દાયકાં પહેલાં બનેલી હોસ્પિટલની ગંભીર બેદરકારીનો એક ચોંકાવનારો મામલો હવે સામે આવ્યો છે. લગભગ 38 વર્ષ પહેલાં જન્મ સમયે બે નવજાત બાળકોની કથિત અદલાબદલી થઈ હોવાનું એક સામાન્ય DNA ટેસ્ટ દ્વારા સામે આવ્યું છે. આ ખુલાસાએ બંને પરિવારોનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. મામલો બહાર આવ્યા બાદ બંને પરિવારોે નોર્થ ડકોટાના ગ્રાફ્ટન સ્થિત યુનિટી મેડિકલ સેન્ટર સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તેમનો આરોપ છે કે હોસ્પિટલની બેદરકારીને કારણે તેઓ પોતાના સાચા જૈવિક પરિવાર સાથે જીવન વિતાવવાનો મોકો ગુમાવી બેઠા.

માહિતી મુજબ આ ઘટના 26 જાન્યુઆરી, 1988ની છે. તે દિવસે યુનિટી મેડિકલ સેન્ટરમાં બે બાળકોનો જન્મ થયો હતો. આરોપ છે કે હોસ્પિટલમાં ઓળખ સંબંધિત અથવા વહીવટી ભૂલના કારણે બંને નવજાત બાળકોને ખોટા માતા-પિતાને સોંપી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને બાળકો અલગ-અલગ પરિવારોમાં મોટા થયા અને લગભગ 38 વર્ષ સુધી કોઈને પણ આ ગંભીર ભૂલની જાણ થઈ નહોતી.

આ સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે કાઈલ બાયલિને ક્રિસમસ દરમિયાન મનોરંજન અને પરિવારના વંશવૃક્ષ વિશે જાણવા માટે ઘરે જ DNA ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટ આવ્યા બાદ તેમને ખબર પડી કે જેમને તેઓ પોતાના સગા માની રહ્યા હતા, તેમનો તેમની સાથે જૈવિક સંબંધ જ નહોતો. તેના બદલે તેમને એવી મહિલાની માહિતી મળી, જે તેમની સાચી બાયોલોજિકલ આન્ટી હતી. ત્યારબાદ તેમના ભત્રીજા જેરેમી મોરિસને પણ DNA ટેસ્ટ કરાવ્યો.

બંનેના DNA રિપોર્ટ સામે આવતા ચોંકાવનારી હકીકત બહાર આવી. તપાસમાં પુષ્ટિ થઈ કે કાઈલ બાયલિન અને જેરેમી મોરિસનની જન્મ સમયે અદલાબદલી થઈ ગઈ હતી અને તેઓ પોતાના જૈવિક પરિવારોને બદલે એકબીજાના પરિવારોમાં ઉછર્યા હતા. મોરિસને જણાવ્યું કે રિપોર્ટ પહેલાં જ તેમને શંકા ત્યારે થઈ હતી જ્યારે તેમણે બાયલિનના ભાઈનો ફોટો જોયો હતો. બંનેના ચહેરાની અદ્દભુત સમાનતા જોઈ તેમને લાગ્યું હતું કે બંને વચ્ચે કોઈ ઊંડો સંબંધ હોવો જોઈએ.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે બંને બાળકોનો જન્મ એક જ દિવસે અને એક જ હોસ્પિટલમાં થયો હતો. હોસ્પિટલની કથિત બેદરકારીને કારણે તેમની ઓળખ બદલાઈ ગઈ અને ખોટા પરિવારોને સોંપી દેવામાં આવ્યા. કાઈલ બાયલિન પાસે આજે પણ હોસ્પિટલનું મૂળ ઓળખ બૅન્ડ (Identification Bracelet) સુરક્ષિત છે, જેમાં તેમનું નામ નોંધાયેલું છે. પરિવારનું માનવું છે કે આ બૅન્ડ કેસમાં મહત્વપૂર્ણ પુરાવા તરીકે કામ કરી શકે છે.

DNA રિપોર્ટ સામે આવ્યા બાદ બંને પરિવારો ભાવનાત્મક રીતે ખૂબ જ અસરગ્રસ્ત બન્યા છે. કાઈલનું લાલન-પાલન કરનાર એવલિન ન્યૂટને કહ્યું કે કાઈલ તેમના માટે હંમેશા તેમનો પુત્ર જ રહેશે અને આ સંબંધ ક્યારેય બદલાશે નહીં. જોકે, તેમને આ વાતનું ગહન દુઃખ છે કે તેઓ પોતાના જૈવિક પુત્ર સાથેના છેલ્લા 38 વર્ષ ક્યારેય પાછા મેળવી શકશે નહીં. બીજી તરફ, બંને જૈવિક પરિવારો વચ્ચેની પ્રથમ મુલાકાત અત્યંત ભાવુક રહી હતી. તમામે એકબીજાને સ્વીકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ આટલા વર્ષો પછી અચાનક સામે આવેલી હકીકતને સ્વીકારવી સહેલી નહોતી.

હોસ્પિટલ પ્રશાસને બાળકોની અદલાબદલીની સંભાવનાને સંપૂર્ણપણે નકારી નથી. યુનિટી મેડિકલ સેન્ટરનું કહેવું છે કે આ ઘટના લગભગ ચાર દાયકાં જૂની હોવાથી તે સમયના મોટાભાગના મેડિકલ રેકોર્ડ અને કર્મચારીઓ સંબંધિત દસ્તાવેજો હવે ઉપલબ્ધ નથી. હોસ્પિટલનું કહેવું છે કે હાલમાં તેમની પાસે એવો કોઈ સીધો પુરાવો નથી કે જેના આધારે કહી શકાય કે તે સમયના સ્ટાફ અથવા પ્રશાસનની બેદરકારીને કારણે આ ભૂલ થઈ હતી. તેમ છતાં સમગ્ર ઘટનાની સમીક્ષા કરવામાં આવી રહી છે.

જેરેમી મોરિસને જણાવ્યું કે આ સત્ય સામે આવ્યા બાદ પણ તેમનો સંબંધ તે પરિવાર સાથે ક્યારેય તૂટશે નહીં, જેણે તેમને બાળપણથી પ્રેમ અને સંસ્કાર આપ્યા છે. તેમણે કહ્યું કે પરિવાર માત્ર લોહીના સંબંધોથી જ નહીં, પરંતુ વર્ષો સુધી સાથે જીવેલા સંબંધો અને લાગણીઓથી પણ બને છે. બીજી તરફ કાઈલ બાયલિને જણાવ્યું કે હવે બંને પરિવારો એકબીજાને ઓળખવાનો અને નવા સંબંધોને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સ્વીકાર્યું કે આ સમગ્ર ઘટના ભાવનાત્મક રીતે ખૂબ પડકારજનક છે, પરંતુ તમામ લોકો નવી પરિસ્થિતિને સકારાત્મક રીતે સ્વીકારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ ઘટના ફરી એકવાર હોસ્પિટલોમાં નવજાત શિશુઓની ઓળખ અને સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સાથે જ તે એ પણ દર્શાવે છે કે આધુનિક DNA ટેકનોલોજી દાયકાઓ જૂના રહસ્યોનો પણ પર્દાફાશ કરવાની ક્ષમતા ધરાવે છે. હવે સૌની નજર કોર્ટની કાર્યવાહી પર છે, જ્યાં નક્કી થશે કે આ કથિત બેદરકારી માટે જવાબદાર કોણ છે અને અસરગ્રસ્ત પરિવારોને કેવો ન્યાય મળે છે.

Related Articles

Back to top button