શું ‘બંટવારા 1947’માં કરણ દેઓલ સાથે જોવા મળશે કિયારા અડવાણી? નવા પોસ્ટરે ચાહકોમાં વધારી ગૂંચવણ

મુંબઈ: સની દેઓલની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘બંટવારા 1947’ તેની રિલીઝ પહેલાંથી જ સતત ચર્ચામાં છે. 28 જુલાઈ 2026ના રોજ ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ફિલ્મના નવા પોસ્ટરે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે. પોસ્ટરમાં કરણ દેઓલ સાથે દેખાતી અભિનેત્રીને ઘણા ચાહકોએ પ્રથમ નજરે કિયારા અડવાણી સમજી લીધી, જ્યારે હકીકતમાં તે કનિકા કપૂર છે.
તાજેતરમાં રિલીઝ થયેલા આ પોસ્ટરમાં કનિકા કપૂરનો લુક એટલો અલગ જોવા મળ્યો કે સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ મૂંઝવણમાં પડી ગયા. પોસ્ટર સામે આવતા જ લોકો પૂછવા લાગ્યા કે શું કિયારા અડવાણી ફિલ્મમાં કરણ દેઓલની સામે જોવા મળશે? ઘણા યુઝર્સે કોમેન્ટ કરીને લખ્યું કે પ્રથમ નજરે તેમને લાગ્યું કે પોસ્ટરમાં કિયારા અડવાણી છે. જ્યારે કેટલાક લોકોએ કનિકા અને કિયારાના ચહેરામાં થોડી સમાનતા હોવાની પણ ચર્ચા કરી.
કનિકા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટર શેર કરતાં લખ્યું, “બંટવારા ના દિવસે, 14 ઑગસ્ટે સિનેમાઘરોમાં #Batwara1947 જરૂર જુઓ.” પોસ્ટ શેર થયા બાદ પણ ચાહકોની કોમેન્ટ્સનો સિલસિલો ચાલુ રહ્યો અને ઘણા લોકોએ તેમને કિયારા અડવાણી સમજી લેવાની વાત કરી.
જોકે, કનિકા કપૂરની અન્ય તસવીરો જોતા સ્પષ્ટ થાય છે કે તેઓ સામાન્ય રીતે કિયારા અડવાણી જેવી દેખાતી નથી. માનવામાં આવે છે કે પોસ્ટરમાં કરવામાં આવેલી સ્ટાઇલિંગ, મેકઅપ, હેરસ્ટાઇલ, કેમેરા એંગલ અને એડિટિંગને કારણે તેમનો લુક કિયારા સાથે મળતો-જુલતો લાગ્યો, જેના કારણે આ ગૂંચવણ ઊભી થઈ.
ઉલ્લેખનીય છે કે કનિકા કપૂર ‘બંટવારા 1947’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મમાં સની દેઓલ અને કરણ દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દેશના વિભાજનની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ 14 ઑગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
હાલ ઉપલબ્ધ સત્તાવાર માહિતી અનુસાર કિયારા અડવાણી આ ફિલ્મનો ભાગ નથી. નવા પોસ્ટરમાં જોવા મળેલી અભિનેત્રી કનિકા કપૂર જ છે અને સોશિયલ મીડિયા પર ફેલાયેલી ગૂંચવણ માત્ર તેમના પોસ્ટર લુકને કારણે સર્જાઈ છે.

