ગુજરાત

અંબાજી બસ અકસ્માત સહિત રાજ્ય માં 4 અકસ્માત માં 34 લોકો ના મૃત્યુ,

અંબાજી બસ અકસ્માત સહિત રાજ્ય માં 4 અકસ્માત માં 34 લોકો ના મૃત્યુ,


ગુજરાતમાં બીજા નોરતાએ ના દિવેસે જાણે કાળદેવતા પોતાનું ખપ્પર ભરવા માગતા હોય તેમ માર્ગ અકસ્માતોનો દિવસ બની રહ્યો હતો. અંબાજી, ડીસા, કચ્છ, મહેમદાવાદ નજીક એક્સપ્રેસ-હાઇવે પર સર્જાયેલા અકસ્માતોમાં 34 લોકોની જિંદગી હોમાઇ ગઇ છે.

આ બનાવોમાં 58થી વધુ લોકો ઇજા પામ્યા છેય સૌથી મોટો ગમખ્વાર અકસ્માત બનાસકાંઠા જિલ્લામાં યાત્રાધામ અંબાજી જવાના માર્ગ પર સર્જાયો હતો. જેમાં 21 લોકોએ જાન ગૂમાવ્યા હતા.

આજ જિલ્લામાં ડીસા નજીક થયેલા અન્ય અકસ્માતમાં પાંચના મોત થયા હતાં. તેજ રફતાર માટે જાણીતા અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પર મહેમદાવાદ નજીક અકસ્માતમાં પણ પાંચનાં કરૂણ મોત થયાં હતાં તો કચ્છમાં ભચાઉ, સામખિયાળી રાજમાર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવાનોએ જાન ગૂમાવ્યા હતા. અંબાજીના ગમખ્વાર અકસ્માત અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલસોજી વ્યક્ત કરીને જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપી છે કે આનુસાંગિક કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે. અને ઈજાગ્રસ્તોને તમામ પ્રકારની તબીબી સહાય- સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે.

યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ પર પસાર થઈ રહેલ એક ખાનગી લક્ઝરી બસ રોડસાઇડની ખાઈમાં પલ્ટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં બસમાં સવાર 21 જેટલાં યાત્રીઓના કરૂણ મોત નિપજ્યા હતા જેને લઈ વાતાવરણમાં યાત્રીઓની ચિચિયારીઓથી ગમગીની છવાઈ ગઈ હતી. અંબાજીથી બહુચરાજી જતા આણંદના યાત્રિકોની બસ ત્રિશૂળિયા ઘાટ પરથી પસાર થઈ રહી હતી દરમ્યાન વરસાદી માહોલને લઈ બસના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દીધો હોઈ બસ રોડ સાઇડના રેલિંગ પર પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આણંદ જિલ્લાના ખડોલ,દાડવા, વડોદરા ના નંદેશરી સહિત ગામના 70 જેટલા યાત્રિકો લક્ઝરી બસ લઈ યાત્રાએ નીકળ્યા હતા અને સોમવારે ખેડબ્રહ્મા ખાતે અંબાજી માતાના દર્શન કરીને યાત્રાધામ અંબાજી આવ્યા હતા જ્યાં મા અંબાના દર્શન કરીને બહુચરાજી જવા નીકળ્યા હતા. દરમ્યાન સાંજના ચાર વાગ્યાની આસપાસ યાત્રીઓની બસ અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ પરથી પસાર થઈ રહી હતી. દરમ્યાન વરસાદને પગલે વળાંક લેતી વખતે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બસ રેલિંગ સાથે ટકરાઈને ખાઈમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર 14 પુરૂષો, 4 બાળકો અને 3 મહિલા મળીને 21 યાત્રીઓના કરૂણ મોત નિપજ્યા અને 55 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થતા વાતાવરણ યાત્રીઓના આક્રંદથી ગૂંજી ઉઠયું હતું.

અંબાજી બસ અકસ્માત જોઈ ભાવનગર ના રંઘોળાનો અકસ્માત આદ આવ્યો
લગભગબે વર્ષ પહેલાં થયેલા ભાવનગરના રંઘોળાનો અકસ્માતઆવો જ ભયાનક હતો. જેમાં જાનમાં જઈ રહેલાં એક જ ગામના 35થી વધુ જાનૈયાઓના મોત થયા હતા. આ ઉપરાંત જેવી રીતે રંઘોળા અકસ્માતમાં ટ્ર્ક પલટી જતાં લોકોના દબાવવાથી મોત થયા છે. એવી જ રીતે આ અકસ્માતમાં લોકો બસની નીચે દબાવવાથી 20લોકોના મોત થયા છે….

અંબાજી બસ અકસ્માત ના બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા અને જાણ થતાં જ પોલીસ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવીને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી જેમાં ઇજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલીક સારવાર અર્થે દાંતાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ ભયાનક અકસ્માતમાં મૃતકોની લાશો રોડ પર વિખેરાતા માર્ગ રક્તરંજીત બન્યો હતો. જોકે અકસ્માતમાં 21 જેટલા યાત્રીઓના ઘટનાસ્થળે જ મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

70થી વધુ લોકો યાત્રાએ આવ્યા હતા
આણંદ જિલ્લાના ખડોલ ગામના અને નંદેશરી ગામના 70 જેટલા લોકો ખાનગી લક્ઝરી બસમાં યાત્રાએ નીકળ્યા હતા અને સોમવારે ખેડબ્રહ્મા ખાતે દર્શન કરીને અંબાજી આવ્યા હતા. જ્યાં માતાજીના દર્શન કરીને બહુચરાજી જવા નીકળ્યા હતા, દરમ્યાન ત્રિશૂળિયા ઘાટમાં બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં 14 પુરૂષો અને 4 બાળકો અને 3 મહિલા મળીને 21 લોકોના મોત નિપજ્યા હતા અને 55 જેટલા લોકો ઘાયલ થયા હતા.

બચાવ કામગીરીમાં ક્રેઇનની મદદ લેવાઈ
ત્રિશૂળિયામાં લક્ઝરી પલટી જવાની દુર્ઘટનામાં કેટલાક યાત્રીઓ અને મૃતકો બસમાં ફસાયા હોઈ પોલીસ અને ક્રેઇનની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી અને ઘાયલોને 108 અને એમ્બ્યુલન્સ મારફતે દાંતા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

થોડા મહિના અગાવ ત્રિશૂળિયામાં અગાઉ ડાલુ પલટી જતા 8 વ્યક્તિના મોત થયા હતા
અંબાજીના ત્રિશૂળિયા ઘાટમાં ગત તા. 7 જૂનના જીપ ડાલામાં અંબાજીથી વડગામ આવી રહેલા ભલગામના સિપાઈ પરિવારને અકસ્માત નડયો હતો જેમાં આઠ વ્યક્તિના મોત નિપજ્યા હતા જેના ત્રણ માસ બાદ વધુ 21 લોકોના મોત નિપજતા ત્રિશૂળિયો ઘાટ મોતનો ઘાટ પુરવાર થવા પામ્યો છે.

બનાસકાંઠાના લાખણાસર કુચાવાડા વચ્ચે અકસ્માત સર્જાયો
જીપ અને ટ્રેલર ધડાકાભેર અથડાતા પતિ-પત્ની સહિત પાંચનાં મોત
બનાસકાંઠાના લાખણાસર કુચાવાડા વચ્ચે ટ્રેલર અને કમાન્ડર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિ પત્ની સહિત પાંચના મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ચાર મૃતકોને ડીસા સિવિલમાં પીએમ અર્થે ખસેડાયા હતા.

બનાસકાંઠાના લાખણાસર કુચાવાડા વળાંક પાસે કમાન્ડર જીપ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કમાન્ડર જીપમાં સવાર પતિ-પત્ની સહિત કુલ પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે બનાવના પગલે અરેરાટી વ્યાપી હતી.

જોકે ચાર મૃતકોને પીએમ માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ બેથી વધુ લોકો ઘવાયા હતા. આ બનાવના પગલે ડીસા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યારે આ અકસ્માતના પગલે ડીસા સિવિલના પીએમ રૂમ આગળ કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

બનાવ બાદ માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો
સામખિયાળી પાસે અજાણ્યા વાહને બાઈકને હડફેટે લેતા સૌરાષ્ટ્રના ત્રણ યુવાનોનાં મોત
અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા : માતાના મઢથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે બનેલો ગમખ્વાર અકસ્માત
ભચાઉ તાલુકાના સામખિયાળી હાઈવે પર અજાણ્યા વાહને એક પછી એક ત્રણ બાઈકને ટક્કર મારતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બનાવમાં સૌરાષ્ટ્રના ત્રણ યુવાનોના મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.

ત્રણ વાગ્યાના અરસામાં ભચાઉ-સામખિયાળી માર્ગ પર આવેલી હોટલ વે-વેઈટ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક નંબર જી.જે.3 એન 643પ તેમજ અન્ય બે બાઈકને હડફેટમાં લેતા મોરબીના જિજ્ઞોશ મનહરલાલ પંડયા (ઉ.વ.3પ), મીઠાપુર-દ્વારકાના સુરજ કરાડી ગામના મયુર હરીશ બારીયા (ઉ.વ.ર9) અને બાબુ મેઘા ચાનીયાને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેઓના મોત નિપજ્યા હતા.

જ્યારે ઘનશ્યામભાઈ જેઠવા અને અરવિંદ બારીયા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ટ્રકને ઓવરટેક કરવાની ઉતાવળમાં અકસ્માત સર્જાયો : પાંચેય મૃતકો અમદાવાદ આવતા હતા
મહેમદાવાદ તાલુકાના મંાકવા ગામ પાસે અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇ-વે પર સોમવારે સવારે 7 વાગ્યાની આસપાસ ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં પાંચ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

કારચાલકે ટ્રકને ઓવરટેક કરવા જતાં આ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા પાંચે ય મુસાફરો વ્યવસાય અર્થે અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે કચ્ચરઘાણ થઈ ગયેલી કારમાંથી ક્રેઇન વડે મહામુસીબતે પાંચે ય મૃતદેહો બહાર કાઢ્યા હતા અને પી.એમ માટે મહેમદાવાદ સિવિલમાં મોકલાયા હતા.

આ પાંચ મૃતકોના નામ પ્રજ્ઞોશભાઈ અશ્વિનભાઈ જોશી (ઉ.- 51) ખેડબ્રહ્મા, મહેન્દ્રભાઈ રામસિંહ ચૌહાણ (ઉ.-38) ભરૂચ, કંથારિયા, રિજ્ઞોશભાઈ અરવિંદભાઈ પટેલ (ઉ. 40) કરજણ, બિરેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ શાહ (ઉ. 42) મુઝ્ફ્ફરનગર તથા રાજેશભાઈ મગનભાઈ પટેલ (ઉ 48) ભરૂચ હોવાનું જાણવા મળ્યું છે.

રાજકારણીઓના પાપે ખરાબ રોડને કારણે નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે
એક સમયે ગુજરાતના રોડ રસ્તા પંકાતા હતાં. આજે રોડ રસ્તા બનાવવામાં એવો મોટો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે કે,માત્ર એક જ વરસાદમાં રસ્તા ધોવાઇ રહ્યાં છે. વરસાદી પાણીમાં ધોવાયેલાં ખાડાખૈયા વાળા રોડને કારણે વાહનો ચલાવવા ય મુશ્કેલ બન્યાં છે. એટલુ જ નહીં, આવા માર્ગ પર અકસ્માત થતાં નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યાં છે. આ વખતે વરસાદે રસ્તાની ગુણવત્તા કેવી હોય તેની વાસ્તવિકતાભરી પોલ ઉઘાડી પાડી દીધી છે કેમકે, અમદાવાદ હોય કે,હાઇવે હોય. વરસાદને કારણે એકેય રોડ એવો નથી જેની બિસ્માર હાલત ન હોય.

લાખો કરોડોના ખર્ચે બનતાં રોડ રસ્તા એક જ વરસાદમાં ધોવાઇ જાય છે એ એજ દર્શાવે છે કે,મળતિયા કોન્ટ્રાકટરો અને રાજકારણીઓ ખાયકી કરે છે જેના કારણે કોન્ટ્રાકટરો માત્ર ગુણવત્તાના નામ પુરતા કહી શકાય તેવા રોડ રસ્તા બનાવે છે જે વરસાદી પાણીમાં ધોવાઇ જાય છે. પ્રજાના પૈસૈ નિર્માણ થતાં માર્ગોની આજે એવી દશા છેકે, વાહન ચલાવો તો લાગે કે ઉંટ પર સવારી કરો છો. ખાડાખૈયા અને ડામર ઉખડેલાં રોડ જોતા ગુણવત્તાનો ખ્યાલ આવી શકે છે અને આવા રોડ પર વાહન ચલાવવા મુશ્કેલભર્યુ બન્યુ છે .

ગુજરાતમાં એક જ દિવસમા ત્રણ-ચાર અકસ્માત થતાં 34 જણાંએ જાન ગુમાવવા પડયા છે. નેશનલ હાઇવેની ય આ દશા છે.બિસ્માર રસ્તા હોવા છતાંય ટોલટેક્સ ઉઘરાવી છડેચોક વાહનચાલકોને લૂંટવામાં આવી રહ્યાં,

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button