ગેહલોતના સમર્થનમાં શંકરસિંહ વાઘેલા ઉતર્યા, મુખ્યમંત્રી અને રાજ્યપાલના બંગલા પાસે દારૂની ભઠ્ઠીઓ : શંકરસિંહ વાઘેલા
ગેહલોતના સમર્થનમાં શંકરસિંહ વાઘેલા ઉતર્યા, મુખ્યમંત્રી અને રાજ્યપાલના બંગલા પાસે દારૂની ભઠ્ઠીઓ : શંકરસિંહ વાઘેલા
દારૂબંધી મુદ્દે ચાલતી નિવેદનબાજીમાં આજે એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલા પણ મેદાનમાં ઉતર્યા હતા. દારૂ અંગેના કોંગ્રેસના અશોક ગેહલોતના નિવેદનના સમર્થનમાં ભાવનગરની મુલાકાત દરમ્યાન શંકરસિંહે દારૂબંધી મુદ્દે ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ હતુ. તેમણે વાતવાતમાં દારૂબંધી ઉઠાવી લેવાની પણ સાંકેતિક હિમાયત કરી હતી. તેમણે ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું કે, ગાંધીનગરમાં સીએમ અને રાજયપાલના બંગલા પાછળ જ દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. રાજયમાં એક કિલોમીટરનો એવો પટ્ટો નહીં હોય કે જ્યાં દારૂની પોટલી ન મળતી હોય. વાઘેલાના આ પ્રકારના આક્ષેપને લઇ ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આજે ભાવનગરમાં આવેલા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલના બંગલાની પાછળ જ દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે, ત્યારે સરકાર ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો ના કરે તો સારું.. શંકરસિંહે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ૭૦ ટકા લોકો નોનવેજ અને દારૂનો ઉપયોગ કરે છે. તો ગુજરાતમાં દારૂબંધી શેની ? આજે ભાવનગરમાં આવેલા શંકરસિંહ વાઘેલાએ દશેરા નિમિતે ગુજરાતની જનતાને એક સંદેશો પાઠવ્યો હતો. શંકરસિંહે સંદેશો પાઠવતા જણાવ્યું કે, ગુજરાતમાં અનેક રાવણોનો નાશ કરવાનો છે. ગુજરાતની જનતાએ પણ હવે જાગવાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અશોક ગેહલોતે ગુજરાતની દારૂબંધી વિશે જણાવ્યું હતું કે, હું વ્યક્તિગત રીતે દારૂબંધીનું સમર્થન કરું છું. દારૂબંધીનો એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો જેથી પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. આ નિવેદનને પગલે ગુજરાતમાં ભારે હોબાળો મચ્યો છે. ખાસ કરીને ભાજપના નેતાઓ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગેહલોતને આડા હાથે લીધા હતા. આજે ફરી એકવાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજસ્થાનનાં સીએમ અશોક ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે. ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ દારૂબંધીનાં સમર્થનમાં છે કે તેઓ દારૂ પીવાનું સમર્થન કરે છે તે જણાવે. ગેહલોતે આવું બેફામ નિવેદન કરી પ્રત્યેક ગુજરાતીનું અપમાન કર્યુ છે, તેથી ગેહલોત અને કોંગ્રેસ ગુજરાતની જનતાની માફી માંગે.
નૈતિક સમાચાર (NS NEWS)