સુરત એરપોર્ટ પરથી ૯૦ લાખનું સોનું ઝડપાઈગયું કસ્ટમ વિભાગે સોનાના કુલ ૧૯ બિસ્કીટ અને બે બ્રેસ્લેટ કબજે કર્યા
સુરત એરપોર્ટ પરથી ૯૦ લાખનું સોનું ઝડપાઈગયું કસ્ટમ વિભાગે સોનાના કુલ ૧૯ બિસ્કીટ અને બે બ્રેસ્લેટ કબજે કર્યા સુરત એરપોર્ટ ઉપરથી સોના નો સૌથી જંગી જથ્થો કબજે મુસાફરે શુઝ અને કપડાની પટ્ટીમાં સોનું છુપાવ્યુ
સુરત એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે આજે દુબઈથી આવેલા એક મુસાફરને ૯૦ લાખના સોનાના જથ્થા સાથે ઝડપી પાડ્તાં ભારે ચકચાર મચી ગઇ હતી. દુબઇથી આવેલા આ યુવકે પોતાના શુઝ અને કપડાંની પટ્ટીમાં સોનું છુપાવ્યું હતું. કસ્ટમ વિભાગે હાલ યુવક પાસેથી ૧૯ સોનાના બિસ્કીટ અને બે બ્રેસ્લેટ જપ્ત કરીને સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, સુરત-શારજાહની ફલાઇટમાં દુબઈથી સુરત આવેલા વલસાડના યુવકને કસ્ટમ વિભાગે સુરત એરપોર્ટ પર શંકાના આધારે આંતર્યો હતો અને તેની જડતી લીધી હતી. કસ્ટમ વિભાગના અધિકારીઓને આ યુવકની જડતી દરમ્યાન સોનાના ૧૯ બિસ્કીટ અને બે બ્રેસ્લેટ મળી આવ્યા હતા. કસ્ટમ વિભાગે રૂ.૯૦ લાખની કિંમતનું આ સોનું જપ્ત કરી યુવક વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, દુબઇથી આવેલા આ યુવકે પોતાના શુઝ અને પગ વચ્ચેના ભાગમાં અને જીન્સમાં કપડાંની સ્ટીચ કરેલી પટ્ટીની વચ્ચે આ સોનું છુપાવ્યું હતું. સુરત-શારજાહની ફ્લાઈટ શરૂ થયા બાદ કસ્ટમ વિભાગે અત્યાર સુધીમાં આવા આઠ કેસો કર્યા છે. જેમાં કસ્ટમ વિભાગનો અત્યાર સુધીનો આ સૌથી મોટો કેસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત સહિત દેશના વિવિધ એરપોર્ટ પર ફક્ત નવ મહિનામાં રૂ. ૧૪૩ કરોડનું ૩૨૩ કિલો સોનું ઝડપાયું છે. આ સફળતા વિદેશી ચીજવસ્તુઓની હેરાફેરી પર નજર રાખતી એજન્સી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ અને કસ્ટમ વિભાગના કારણે મળી છે. આ વર્ષની વાત કરીએ તો જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીના ૬૬થી વધુ કેસ સામે આવ્યા છે. સૌથી વધુ સોનું ચેન્નાઈ, ત્રિચી, ત્રિવેન્દ્રમ, મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પરથી જપ્ત કરાયું છે. ગત તા.૧૬ ફેબ્રુઆરીથી ઈન્ટરનેશનલ ઉડાનની સૂચિમાં સામેલ થયેલા સુરત એરપોર્ટ પર પણ અત્યાર સુધી આઠ મામલા સામે આવી ચૂક્યા છે, જેમાં કસ્ટમ વિભાગે અત્યાર સુધી દોઢ કિલોથી વધુ સોનું જપ્ત કર્યું છે. આ અંગે મોટા ભાગના મામલા ખાડી દેશો જેવા કે ઓમાન, મસ્કત, દુબઈ અને ઈરાન જેવા દેશોમાંથી આવતા પ્રવાસીના હોય છે.
નૈતિક સમાચાર (NS NEWS)