બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ થતાં પ્રતિક્રિયા, પરીક્ષાને રદ કરવાનું પગલું સરકારનું ષડયંત્ર : ધાનાણી
બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ થતાં પ્રતિક્રિયા, પરીક્ષાને રદ કરવાનું પગલું સરકારનું ષડયંત્ર : ધાનાણી
સરકાર દ્વારા આ પ્રકારની ઘણી ભરતી પ્રક્રિયામાં ગોટાળા કરાયા કોંગ્રેસ ,યુવાનો માટે આંદોલન કરશે : પરેશ ધાનાણી
રાજયમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા અચાનક રદ કરવાના નિર્ણયને પગલે સર્જાયેલા વિવાદ બાદ આજે ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી ગંભીર આરોપ લગાવ્યા હતા. ધાનાણીએ સરકારના નિર્ણયનો વિરોધ કરતા આ ભરતી પરીક્ષાને એક ષડયંત્ર ગણાવ્યું છે અને સરકાર પર આરોપ લગાવ્યો છે કે, તેમણે આવી ઘણી ભરતી પ્રક્રિયામાં ગોટાળા કર્યા છે. ધાનાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપ સરકારના કુશાસનના કારણે રાજ્યના લાખો યુવાનો બેરાજગારીના ખપ્પરમાં ધકેલાયા છે તેમજ સરકારે યુવાનો સાથે દ્રોહ કર્યો છે. હવે કોંગ્રેસ આગામી દિવસોમાં ૧૦ લાખ યુવાનોના આંદોલનનું નેતૃત્વ કરશે. સાથે જ ધાનાણીએ એવું પણ કહ્યું કે, સરકાર દ્વારા રદ કરાયેલી આ પરીક્ષા વહેલામાં વહેલી તકે લેવામાં આવે. સરકાર આ સમગ્ર મામલાને ગંભીરતાથી લે અને હજારો ઉમેદવારોના હિતનો વિચાર કરી તાત્કાલિક નિર્ણય જાહેર કરે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે ૨૦મી ઓક્ટોબરનાં રોજ લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય કર્યો છે, તેની સાથે ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા પણ રદ્દ કરવામાં આવી છે. જા કે, પરીક્ષાની નવી તારીખ અંગે કંઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરવા પાછળ હાલ નવો ખુલાસો કરવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા મામલે એવું કહેવામાં આવી રહ્યું છે કે, શૈક્ષણિક લાયકાત વધારીને આ પરીક્ષા પુનઃ લેવામાં આવશે. હવે આ પરીક્ષા ધોરણ ૧૨ પાસ નહીં પરંતુ ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતને આધારે લેવાશે. નવી પરીક્ષા તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. જેને લઇ હાલના ઉમેદવારોમાં ભારોભાર રોષ ફેલાવાની સાથે મોટો વિવાદ સામે આવ્યો છે.
નૈતિક સમાચાર (NS NEWS)