દીપડાના બચ્ચાને પજવણી કેસમાં ઇનામ જાહેર કરાયુ , ફરાર યુવકોની માહિતી આપનારને ૨૫૦૦૦/- ઇનામ,
દીપડાના બચ્ચાને પજવણી કેસમાં ઇનામ જાહેર કરાયુ , ફરાર યુવકોની માહિતી આપનારને ૨૫૦૦૦/- ઇનામ,
સેવ લાયન અને સેવ એશિયાટિક લાયન સંસ્થા દ્વારા વન મંત્રી ગણપત વસાવા ને દીપડાના બચ્ચા ને પજવનાર ફરાર આરોપી ઈસમો ઉપર કાર્યવાહી કરવા માટે લેખિત માં ફરિયાદ કરવામાં આવશે !
જૂનાગઢના ગીરના જંગલમાં દીપડાના બચ્ચાની પજવણી ચકચારભર્યા પ્રકરણમાં હવે ગીરનાર વન વિભાગ દ્વારા બહુ ઝીણવટભરી અને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. દીપડાની પજવણી કરનાર આરોપીને પકડવા માટે વનવિભાગે રૂ. ૨૫ હજારનું ઇનામ પણ જાહેર કર્યુ છે. જૂનાગઢના ડીસીએફ સુનિલ બેરવાલએ ટિ્વટર પર ટ્વીટ કરીને આરોપીઓને ઝડપી પાડવા લોકો પાસે માહિતી-મદદ માંગી હતી. આમ, હવે વનવિભાગ બહુ સક્રિયતા સાથે સમગ્ર મામલે હરકતમાં આવતાં ટૂંક સમયમાં જ દીપડાના બચ્ચાને પજવણી કરનારા આરોપીઓ પકડાઇ જાય તેવી શકયતા સેવાઇ રહી છે. ગીર પંથકમાં દીપડાના બચ્ચાની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઇ હતી. વન્ય પ્રાણી અધિનિયમની જાગવાઇઓનો ભંગ કરી અને હાઇકોર્ટના નિર્દેશોના ઉલ્લંઘન થાય તે રીતે આ યુવકોએ મજાકમાં મજાકમાં દીપડાના બચ્ચાઓની પજવણી કરવાનો ગંભીર ગુનો આચરતાં અને આ અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર પણ દોડતુ થયુ હતુ. ખાસ કરીને દીપડાના બચ્ચાઓને બોચીથી પકડી ઝાડ વચ્ચે દબાવી પજવણી કરનાર યુવકો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઇ છે. તો આ સમગ્ર બનાવને લઇ વન્ય પ્રેમી જનતામાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો, સાથે સાથે સેવ લાયન અને સેવ એશિયાટિક લાયન સંસ્થા દ્વારા ઉચ્ચ સ્તરે તાપસ કરવા રજૂઆત કરવામાં આવી હતી, અને ફરાર આરોપી યુવકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહીની જોરદાર માંગણી ઉઠવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગીર, અમરેલી સહિતના પંથકોમાં સિંહોની પજવણી અને શિકાર આપી તેઓને હેરાન કરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા બાદ ભારે ચકચાર મચી હતી અને સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો., જેમાં ખુદ હાઇકોર્ટે રાજય સરકાર અને સ્થાનિક વનવિભાગ અને તંત્રને મહ્ત્વના નિર્દેશો જારી કર્યા હતા પરંતુ તેમછતાં ગીર પંથકમાં ફરી એકવાર દીપડાના બચ્ચાને પજવણી કરવાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં ચારથી વધુ યુવાનો લાકડી સાથે જોવા મળી રહ્યા છે. જેમાં એક યુવાને દીપડાના બચ્ચાને બોચીથી પકડી ઝાડના થડીયા વચ્ચે દબાવી રહ્યો છે તેમજ યુવાનો હસી મજાક કરી બચ્ચાની પજવણી કરી રહ્યા છે. આ વીડિયોમાં યુવાનો ગુજરાતી બોલી રહ્યા છે અને ઢોર ચરાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. દીપડાનું બચ્ચું પણ ગુસ્સે ભરાયેલું જોવા મળી રહ્યું છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે., જેને લઇ સ્થાનિક વનવિભાગ અને પોલીસ તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા. ખાસ કરીને આરોપીઓની તાત્કાલિક માહિતી અને જાણકારી માટે સ્થાનિક વનવિભાગ દ્વારા રૂ.૨૫ હજારના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓએ ઉપરોકત વાયરલ વીડિયોના આધારે પોલીસની પણ મદદ લઇ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
નૈતિક સમાચાર(NS NEWS)