રાજકોટમાં માતા-પુત્રએ ટ્રેન નીચે કુદીને આત્મહત્યા કરી
રાજકોટમાં માતા-પુત્રએ ટ્રેન નીચે કુદીને આત્મહત્યા કરી
રાજકોટ શહેરના નવા થોરાળાના વિજયનગર-૮માં રહેતા ચમાર પરિવારના ૪૦ વર્ષીય મહિલાએ સાંજે પોતાના ૨૪ વર્ષીય માનસિક અસ્થિર પુત્ર સાથે મોરબી રોડ પર નવા ઓવર બ્રિજ નીચે ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મહિલાને બ્લડ પ્રેશર સહિતની બિમારી હતી તો પુત્ર માનસિક અસ્વસ્થ હતો. આ કારણથી કંટાળીને પુત્રને સાથે રાખી આ પગલું ભર્યુ હોવાની વાત સામે આવી હતી. તેમછતાં આ બનાવ પાછળનું ચોક્કસ અને સ્પષ્ટ કારણ જાણવા પોલીસે તપાસ જારી રાખી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગત રાત્રે નવેક વાગ્યા આસપાસ મોરબી રોડ પર નવા પુલ નજીક બિલેશ્વર-રાજકોટ વચ્ચેના રૂટ પર સિકંદરાબાદ રાજકોટ ટ્રેન આગળ એક યુવાન અને એક મહિલાએ પડતું મુકી દેતાં બંનેના મોત નીપજતાં મૃતદેહોને ટ્રેન મારફત જંક્શન રેલ્વે સ્ટેશને લાવવામાં આવ્યા હતાં અને રેલ્વે પોલીસ મથકના એએસઆઇ મધુસુદભાઇએ બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં એએસઆઇ કે.આર.ચોટલીયા અને રાઇટર મયુરસિંહે સ્ટેશને પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે તપાસ કરતાં મૃતક યુવાન પાસેથી એક વિઝીટીંગ કાર્ડ અને એક ફોટો મળ્યા હતા. કાર્ડના નંબરમાં ફોન કરતાં તે મૃતક યુવાનનો મિત્ર હોવાનું ખુલતાં તેને રૂબરૂ બોલાવી મૃતદેહ દેખાડતાં ઓળખ થઇ હતી. મૃતક યુવાનનું નામ કેતન નાનજીભાઇ પરમાર હોવાનું અને તેની સાથેના મહિલા તેના માતા ગીતાબેન નાનજીભાઇ પરમાર હોવાનું ખુલ્યું હતું. બંને નવા થોરાળાના વિજયનગર-૮માં રહેતાં માતા-પુત્ર હોવાની માહિતી મળતાં તેમના પરિવારજનોને બોલાવાયા હતાં. ગીતાબેનને સંતાનમાં બે પુત્રો કેતન અને કૌશિક છે. જેમાં કેતન માનસિક અસ્વસ્થ હતો. જ્યારે ૧૮ વર્ષનો કૌશિક કારખાનામાં કામ કરે છે. ગીતાબેનના પતિ નાનજીભાઇ બેચરભાઇ પરમાર છૂટક મજૂરી કરે છે. સાંજે સાતેક વાગ્યે ગીતાબેન પોતાના પુત્ર કેતનને લઇને ઘરેથી નીકળી ગયા હતાં. એ વખતે તેનો બીજા પુત્ર અને પતિ કામે ગયા હતાં. રાતે પોણા નવેક વાગ્યે તેઓ ઘરે આવ્યા ત્યારે મા-દિકરો જોવા ન મળતાં તપાસ શરૂ કરી હતી. ત્યાં મોરબી રોડ પુલ નીચે ટ્રેન હેઠળ બંને કપાઇ ગયાના સમાચાર પોલીસ મારફત મળતાં ચમાર પરિવારમાં શોકનો માતમ પથરાયો હતો.
નૈતિક સમાચાર (NS NEWS)