નકલી પાન અને આધારકાર્ડનું કૌભાંડ ઝડપાયુ , સુખરામનગરમાંથી બે સગા ભાઇઓની ધરપકડ
નકલી પાન અને આધારકાર્ડનું કૌભાંડ ઝડપાયુ , સુખરામનગરમાંથી બે સગા ભાઇઓની ધરપકડ
અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સુખરામનગરમાં લવકુશ ઝેરોક્ષ નામની દુકાનમા નકલી આધારકાર્ડ બનાવી આપતા બે સગા ભાઈઓની ડીસીપી ઝોન-પની સ્કવોડની ધરપકડ કરી હતી. પોલીસે આ બંને ભાઇઓ દ્વારા કલેક્ટર કચેરીમાંથી તેને લગતા સાધનો ચોરી લાવીને બસ્સો રૂપિયામાં આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, પાનકાર્ડ બનાવી આપતા હોવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ઝોન-૫ ની સ્કવોડએ બંને ભાઇઓની ધરપકડ કરી છેલ્લા કેટલા સમયથી આ બોગસ દસ્તાવેજા બનાવતા હતા તે સહિતના મુદ્દાઓની તપાસ શરૂ કરી છે. પોલીસે નકલી પુરાવાઓ બનાવવા માટેના સાધનો, કલર ઝેરોક્ષ પ્રિન્ટર, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ સુખરામ નગર પાસે લવકુશ નામની ઝેરોક્ષમાં નકલી આધાર કાર્ડ તથા અન્ય દસ્તાવેજો બનાવીને લોકોને આપવાનું કૌભાંડ ચાલતું હતું. સ્થાનિક પોલીસને આ વાતની બાતમી મળતાની સાથે બંને આરોપીઓ કે જેઓ સગા ભાઇઓ છે તેમને પોલીસે આજે ઝડપી લીધા હતા. પોલીસે સંદીપ કથીરિયા અને જીગ્નેશ કથીરિયા (બને. રહે, ગુજરાત હાઉસિંગ બોર્ડ, બાપુનગર)ને ઝડપી લીધા હતા. દુકાનમાંથી બે લેપટોપ, પ્રિન્ટર, કેમેરા, ફિંગરપ્રિન્ટ મશીન, ૬ પેનડ્રાઈવ એન ૨૩ આધારકાર્ડ સહિતનો મુદામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસે આ કૌભાંડમાં હજુ કોણ કોણ સામેલ છે. આરોપીઓએ અત્યારસુધીમાં કેટલા આવા બોગસ અને બનાવટી આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ સહિતના દસ્તાવેજા બનાવી લોકોને વેચ્યા છે અને આ સમગ્ર નેટવર્ક કોના ઇશારે ચાલતુ હતુ તે સહિતના મુદ્દાઓની તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અનેક જગ્યાએ પાનકાર્ડ આધારકાર્ડ જેવા દસ્તાવેજો બનાવવામાં આવે છે તથા તેના સ્માર્ટ કાર્ડ પણ બનાવવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા તેના પર કોઇ પણ રીતની કાર્યવાહી કરવામાં આવી નથી તથા આવી રીતે ચાલતા ધંધા ઉપર યુઆઈડીએઆઈ દ્વારા જોગવાઇઓ કરવામાં આવ્યા છતાં પણ આવી રીતના કૌભાંડો બહાર આવે છે, ત્યારે આ સમગ્ર કૌભાંડમાં કોઇ સરકારી અધિકારી કે કર્મચારીની સંડોવણી પણ બહાર આવે છે કે કેમ તે જાવાનું તપાસમાં રસપ્રદ રહેશે.
નૈતિક સમાચાર (NS NEWS)