પતિ-પત્ની , ૪ બાળક સહિત છની સામૂહિક હત્યા કરાઈ , દાહોદના તરકડા મહુડી ગામના બનાવથી ચકચાર
પતિ-પત્ની , ૪ બાળક સહિત છની સામૂહિક હત્યા કરાઈ , દાહોદના તરકડા મહુડી ગામના બનાવથી ચકચાર
દાહોદ જિલ્લાના સંજેલી નજીક આવેલા તરકડા મહુડી ગામમાં પતિ-પત્ની અને ચાર બાળકો સહિત એક જ પરિવારના છ સભ્યોની સામૂહિક હત્યાથી ભારે ખળભળાટ મચી ગયો છે. સામૂહિક હત્યાકાંડની આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ઘેરા શોક અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બીજીબાજુ, સંજેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જા કે, પોલીસને પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં આ સામૂહિક હત્યા કરાઇ હોવાની આશંકા છે. તો, ઘટનાની જાણ થતા જ ગામ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને સામૂહિક હત્યાકાંડ જાણી સૌકોઇ ચોંકી ઉઠયા હતા. ખાસ કરીને સ્થાનિક ગ્રામજનોએ ભારે અરેરાટીની લાગણી વ્યકત કરી હતી. દરમ્યાન સમગ્ર ઘટનાને લઇ દાહોદના એસ.પી. હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું મનાઈ રહ્યું છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના ચાર સંતાનો હોવાની સંભાવના છે. જા કે, પોલીસ તેમની ઓળખ કરી રહી છે. ગળા કપાયેલી હાલતમાં લાશો મળતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ છે અને આ મામલે તપાસ કરી રહી છે. તરકડા મહુડી ગામમાં રહેતો આદિવાસી પરિવાર મજૂરી કામ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણવા મળ્યુ છે. પાંચ મૃતદેહ ગામના કાચા મકાનમાંથી મળી આવ્યા છે, જ્યારે એક મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો છે. ઘટના સ્થળે પહોંચેલી સંજેલી પોલીસે હત્યાકાંડની તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં હત્યાકાંડ સર્જાયાની પોલીસને આશંકા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગ્રામજનો અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ શરૂ કરી છે. મૃતકોમાં ભરતભાઇ કડકીયાભાઇ પલાસ(ઉ.વ. ૪૦), સમીબેન ભરતભાઇ પલાસ(ઉ.વ.૪૦), દિપિકા ભરતભાઇ પલાસ (ઉ.વ.૧૨), હેમરાજ (ઉ.વ.૧૦), દિપેશ(ઉ.વ.૮) અને રવિ(ઉ.વ.૬)નો સમાવેશ થાય છે.
નૈતિક સમાચાર (NS NEWS)