લોકડાઉનની વચ્ચે રાજ્યમાં ૪૬૬૯ ગુના દાખલ કરાયા , પ્રહરી દ્વારા લોકડાઉન પર ચાંપતી નજર : શિવાનંદ ઝા
લોકડાઉનની વચ્ચે રાજ્યમાં ૪૬૬૯ ગુના દાખલ કરાયા , પ્રહરી દ્વારા લોકડાઉન પર ચાંપતી નજર : શિવાનંદ ઝા
નોવેલ કોરોના વાયરસના સંક્રમણની શ્રૃંખલાને અટકાવવા માટે ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવો એ જ અમારો ધ્યેય અને પ્રાથમિકતા છે તેમ કહી રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના સંક્રમણના કેસોની સંખ્યા જ્યાં જ્યાં વધુ છે તે તમામ વિસ્તારોમાં ચુસ્ત લોકડાઉનના શક્ય તેટલાં કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આવશ્યક સેવાઓ માટે સરકાર દ્વારા આપવામાં આવેલી મુક્તિનો દુરુપયોગ ન કરવા અપીલ કરતા ઝાએ ઉમેર્યું હતું કે, આવશ્યક સેવાઓ માટે મળેલી મુક્તિનો દુરુપયોગ ચલાવી લેવામાં આવશે નહિ. આ બાબતને ગંભીતાપૂર્વક લઇને પોલીસ દ્વારા જરૂરી વોચ રાખવામાં આવી રહી છે અને આવી વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝાએ ઉમેર્યું કે, કોરોના વાયરસ સંદર્ભે હાલમાં સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પરથી અનેક અફવાઓ ઉપરાંત આપત્તિજનક પોસ્ટ થતી હોવાની વિગતો ધ્યાને આવતાં સાયબર સેલને સોશિયલ મીડિયા ઉપર સતત વોચ રાખવા કડક સૂચના આપી દેવામાં આવી છે. સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા પર બાજનજર રાખી તા.૨૧ માર્ચથી અત્યાર સુધીમાં ફેસબુક, ટિ્વટર, ટિકટોક, યુ ટ્યુબ, વોટસએપ, ઇન્સ્ટાગ્રામ સહિતના ૧૬૪ જેટલા વિવિધ સોશિયલ મિડીયા એકાઉન્ટ બ્લાક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઝાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. કોરોના પોઝિટિવ દર્દીઓને રોગના લક્ષણો ન હોય તો મેડિકલ ટ્રીટમેન્ટ લેવાની આવશ્યકતા નથી. તેવો વીડિયો બનાવીને કેટલાક વ્યક્તિઓ દ્વારા ફોરવર્ડ કરવામાં આવી રહ્યા છે. જે સદંતર ખોટી બાબત છે, આવા દર્દીઓને આઇસોલેટ કરીને ચોક્કસપણે સારવાર લેવી ફરજિયાત છે. જો આવા દર્દી સારવાર ન લે તો રોગના વાહક બનીને અન્ય સંખ્યાબંધ વ્યક્તિઓને સંક્રમિત કરે છે. જેથી આવી વ્યક્તિઓને સારવારની જરૂર ન હોવાની વીડિયો બનાવીને વાયરલ કરનાર વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે હવે પોલીસ દ્વારા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાહનોના નંબર પ્લેટને આધારે રસ્તા ઉપર વારંવાર ફરતા દેખાતા નાગરિકોને શોધી કાઢવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નાઇઝેશન (એ.એન.પી.આર.) સોફ્ટવેરની મદદ લેવામાં આવી રહી છે. રસ્તા ઉપર ફરતા વાહનોનું એનાલિસીસ કરીને એક જ નંબર ધરાવતા વાહનની રૂટ હિસ્ટ્રી તપાસી બિનજરૂરી ફરતા વાહનચાલકોની યાદી તૈયાર કરી તે તમામ સામે ગુનો દાખલ કરવા સુધીની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં વાહનોના નંબર આધારે ટ્રેકિંગ માટે એ.એન.પી.આર. સોફ્ટવેરની મદદથી વાહન પર નજર રાખી ૧૫ ગુના દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહિ, રેલી – સરઘસોમાં વપરાતી ૩૬૦ ડિગ્રી એરિયા કવર કરતાં કેમેરાથી સુસજ્જ પોલીસની વાન ‘પ્રહરી’ દ્વારા લોકડાઉન પર ચાંપતી નજર રાખવામાં આવશે. તે ઉપરાંત પોલીસ પેટ્રોલિંગમાં ફરતી ગાડીઓમાં પણ હવેથી વીડિયોગ્રાફર રખાશે. જેની વિડિયોગ્રાફી બાદ ફૂટેજના આધારે લોકડાઉન ભંગ કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરાશે. તો બીજી તરફ ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં વિશેષ તકેદારી માટે રેન્જ આઇજીને કેમ્પ કરીને સમગ્ર વિસ્તારમાં અસરકારક સુપરવિઝન કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમ શ્રી ઝાએ ઉમેર્યું હતું. ઝાએ ઉમેર્યું કે, સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ મેસેજ બનાવનાર અને તેને ફેલાવનાર બંને સામે ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ કાલે આવી રીતે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવા બદલ ૧૭ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૬૬ ગુનાઓ દાખલ કરી ૩૦૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસની ત્રીજી આંખ પણ લોકડાઉનની કડક અમલવારી માટે કાર્યરત છે. ડ્રોનની મદદથી ૪૬૩ ગુનાઓ તથા સીસીટીવીની મદદથી ૭૪ ગુનાઓ ગઈ કાલે દાખલ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ડ્રોનની મદદથી ૩૪૮૦ ગુનાઓ તથા સીસીટીવીની મદદથી ૫૩૪ ગુનાઓ દાખલ કરી લોકડાઉનની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા ગઈ કાલથી અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા શ્રી ઝાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના ૩૨૭૬ અને હોમ કવોરન્ટાઈન ભંગના ૯૪૩ તથા અન્ય ૪૫૦ ગુનાઓ મળી કુલ ૪૬૬૯ ગુનાઓ આજરોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ૬૯૨૮ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૩૮૬૨ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા Page અને website ને follow , like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/