ગ્રામીણ દેશમાં અડધા લોકો ભરપેટ ભોજનથી વંચિત છે , કોરોના વાયરસે કોળિયો પણ છીનવ્યો , ગુજરાત સહિત કુલ ૧૨ રાજ્યના ૪૭ જિલ્લાઓમાં સર્વે થયો :૨૪ ટકા લોકો ઉધાર લાવી પેટનો ખાડો પુરવા મજબૂર
ગ્રામીણ દેશમાં અડધા લોકો ભરપેટ ભોજનથી વંચિત છે , કોરોના વાયરસે કોળિયો પણ છીનવ્યો , ગુજરાત સહિત કુલ ૧૨ રાજ્યના ૪૭ જિલ્લાઓમાં સર્વે થયો :૨૪ ટકા લોકો ઉધાર લાવી પેટનો ખાડો પુરવા મજબૂર
કોરોના વાયરસને બેકાબુ બનતાં અટકાવવા દેશમાં ૪૯ દિવસથી લોકડાઉન લાગુ છે. તેમ છતાં કોરોનાનો કહેર મહારાષ્ટ્ર, ગુજરાત તેમજ દિલ્હી સહિત કેટલાક રાજ્યમાં દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. બીજીબાજુ લાંબા સમયની તાળાબંધીએ મહાનગરોમાં જ નહીં ગ્રામીણ ભારતમાં પણ આફત સર્જી છે. એક સર્વે મુજબ ગ્રામ્યમાં નાના ખેડૂતો અને ખેતમજૂરી કરતા લોકો માટે ભરપેટ ભોજન હાલમાં સ્વપ્ન સમાન વાત છે. મહામારીના કારણે દેશવ્યાપી લોકડાઉનની લોકો પર શું અસર પડી છે ?નો જવાબ મેળવવા માટે કેટલાક સામાજિક સંગઠનોએ ૧૨ રાજ્યોમાં ૫ હજાર ગ્રામીણ પરિવારોના ઘરમાં ડોકિયું કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે સાંપ્રત કપરા કાળનો સામનો કરવા માટે મોટાભાગના લોકોએ પોતાની થાળીમાં કાપ મૂક્યો છે. અડધા પરિવારોએ ખોરાક ઓછો કરી નાંખ્યો છે, તેમજ એક ટંકથી ચાલે તેમ હોય તો બીજા ટંકનું ભોજન પણ બનાવતા નથી. ૬૮ ટકા પરિવારોના કહેવા મુજબ તેમણે ભોજનમાં રોજબરોજ લેતાં ખાદ્યપદાર્થોની સંખ્યા પણ ઘટાડી દીદ્યી છે. લોકડાઉન પૂર્વે સામાન્ય દિવસોમાં તેઓ જેટલીવાર ખોરાક લેતાં હતાં, તેના સાવ ઓછું ભોજન હાલમાં લઈ રહ્યા છે, તેમ ૫૦ ટકા લોકોએ જણાવ્યું હતું. ૨૪ ટકા પરિવારોએ ઉધારથી ચીજવસ્તુ લાવીને પેટનો ખાડો પુરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. સર્વેમાં ૮૪ ટકા પરિવારોએ તેમણે રેશનકાર્ડ જેવી યોજનાઓના કારણે અનાજ સહિતની ચીજવસ્તુઓ મળી હોવાનું જણાવ્યું હતું. જયારે ૧૬ ટકા પરિવારોને તો ભુખનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ દેશવ્યાપી લોકડાઉનથી ખેતીવાડી, પશુપાલન તેમજ પોલ્ટ્રી ફાર્મ સહિતના કામકાજ પર પણ માઠી અસર પહોંચી છે. તેના પરિણામે ગ્રામીણ ભારતમાં અડધા લોકોને પેટનો ખાડો પુરવામાં કાપમુકવાનો વારો આવ્યો છે. ગુજરાત સહિત મધ્યપ્રદેશ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, બિહાર, આસામ અને કર્ણાટક જેવા રાજ્યોના ૪૭ જિલ્લામાં સામાજિક સંસ્થાઓ દ્વારા સર્વે કરાયો હતો. તા.૨૮મી એપ્રિલથી ૨જી મે દરમિયાન કુલ ૫૧૬૨ ગ્રામીણ પરિવારોના ઘરમાં ડોકિયું કરીને ૪૯ દિવસના તાળાબંધીએ તેમનાં રોજિંદા જીવન પર શું અસર કરી તેની જાણકારી મેળવાઈ હતી.
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)