આવશ્યક ચીજવસ્તુઓ-સેવાઓની દુકાનોને ઓડ-ઇવન જોગવાઈ લાગૂ પડશે નહીં : દુકાનો નિયમિત ચાલુ રહેશે, શરતો સાથે જનજીવન પુનઃ સામાન્ય કરાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં જનજીવન પૂનઃ સામાન્ય કરવા તેમજ ઊદ્યોગ, વેપાર, ખાનગી ઓફિસીસ, નાની-મોટી દુકાનોમાં આર્થિક ગતિવિધિઓ પૂનઃ શરૂ થાય તે માટે લોકડાઉન-૪ માં કેટલીક શરતો સાથે છૂટછાટો આપી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, આના પરિણામે રાજ્યમાં એક નવો માહોલ ઊભો થયો છે. એટલું જ નહિ, મોટા પ્રમાણમાં લોકો પણ સોશિયલ ડિસ્ટન્સીંગ નિયમોનું અનુપાલન, ફરજિયાત માસ્ક ઉપયોગ અને કોરોના સંક્રમણથી પોતે અને અન્યોને બચાવવાની સારી આદતો સાથે રોજિંદા જીવનમાં ગોઠવાવા લાગ્યા છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે લોકડાઉન-૪ સંદર્ભે આર્થિક પ્રવૃત્તિઓને રાજ્યમાં ઉત્તેજન મળે તથા લોકોને આજિવીકા-આવક મળતી થાય સાથોસાથ સ્વચ્છતા-સ્વસ્થતા અને આરોગ્ય જળવાઇ રહે તે માટે માર્ગદર્શિકા-ગાઇડલાઇન બહાર પાડેલી છે. રાજ્ય સરકારે આ ગાઇડલાઇન્સ સાથોસાથ રાજ્યમાં થાળે પડતી જતી પરિસ્થિતીને અનુલક્ષીને નિર્ણયો કરવાનો વ્યૂહ પણ અપનાવેલો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હેતુસર એવો નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી કે આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી દુકાનોને ઓડ-ઇવનની જોગવાઇઓ લાગુ પડશે નહિ. મુખ્યમંત્રીના સચિવએ આ અંગેની વિસ્તૃત સમજ આપતાં જણાવ્યું કે, આવશ્યક સેવાઓ કે આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી દુકાનો નિયમીત રીતે દરરોજ ચાલુ રાખી શકાશે, એટલે કે એક દિવસ ચાલુ એક દિવસ બંધ રાખવાની રહેશે નહિં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ માટે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અશ્વિનીકુમારે આ નિર્ણય સંદર્ભમાં જણાવ્યું કે, રાજ્યમાં માલવાહક વાહનો સહિત હાઇ-વે પર અવર-જવર કરતા વાહનોને સરળતાએ પેટ્રોલ-ડિઝલ મળી રહે તે માટે મુખ્યમંત્રીએ હાઇવે પર આવેલા પેટ્રોલ પંપને કોઇ પણ જાતના સમયના બાધ વગર એટલે કે જરૂરીયાત જણાયે ર૪ કલાક ખૂલ્લા રાખવાની પણ અનુમતિ આપી છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જનજાગૃતિ માટે મુખ્યમંત્રી પ્રેરિત ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન શરૂ થયું છે. સાથોસાથ લોકો-નાગરિકો પણ હવે કોરોના સાથે-કોરોના સામે જીવન જીવવાની નવી શૈલી અપનાવી જનજીવન ઝડપભેર પૂવર્વત કરવા ઇચ્છે છે ત્યારે મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર પણ સરળતાએ જનજીવન સામાન્ય થાય તે માટે પ્રતિબદ્ધ છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/