દહેજની યશસ્વી કેમિકલમાં બ્લાસ્ટ બાદ આગ : ૮નાં મોત ૫૦ જેટલા કામદારો દાઝ્યા , એમ્બ્યુલન્સ ન પહોંચતા કર્મચારીઓ કણસતા રહ્યા
એક તરફ દેશભરમાં કોરના મહામારીએ અજગરી ભરડો લીધો છે ત્યાં લાંબા લોકડાઉન બાદ અનલોક-૧માં છૂટછાટો મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો એવામાં ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં ૮ કામદારના મોત થયાના આઘાતજનક સમાચાર આવ્યા છે. આ ઘટનામાં ૫૦ જેટલા કામદારો દાઝ્યા છે. જેને પગલે ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. યશસ્વી કેમિકલ કંપનીમાં થયેલા બ્લાસ્ટને પગલે આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા દૂર- દૂરથી પણ જોવા મળ્યા હતા. આગ લાગવા સાથે કેટલાક કર્મચારીઓ દોડીને કંપનીની બહાર આવી ગયા હતા. જોકે ગંભીર રીતે દાઝેલા કર્મચારીઓ એમ્બ્યુલન્સ માટે ટળવળતા રહ્યા હતા. સમયસર સારવાર ન મળતા દાઝેલા કર્મચારીઓ દર્દથી કણસતા જોવા મળ્યા હતા. જોકે બાદમાં કર્મચારીઓને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ દહેજ ફાયર બ્રિગેડના ૧૦ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. કમનસીબ બાબત એ છે કે દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગની ઘટનામાં આગ પર કાબૂ મેળવ્યા બાદ મૃતદેહો મળી આવ્યા છે. આગની ઘટનામાં ૬ કામદારોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ૨ દર્દીનાં સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે બાકીના તમામ ઇજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, જેમાં ઘણા કામદારોની હાલત ગંભીર છે. જેમની સારવાર ચાલી રહી છે. દરમિયાનમાં આગનું વિકરાળ રૂપ જોતાં યશસ્વી કેમિકલ કંપનીની આસપાસનો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવાયો છે અને ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઇ છે તથા યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/