ભારત ૨.૩૬ લાખ દર્દી સાથે ઈટાલીથી આગળ નીકળી ગયું , કોરોનાથી ૨૪ કલાકમાં ૨૯૪ નાં મોત, મૃત્તકોની કુલ સંખ્યા ૬,૬૪૨
ભારત ૨.૩૬ લાખ દર્દી સાથે ઈટાલીથી આગળ નીકળી ગયું , કોરોનાથી ૨૪ કલાકમાં ૨૯૪ નાં મોત, મૃત્તકોની કુલ સંખ્યા ૬,૬૪૨
ભારતમાં અનલોક-૧ના પ્રથમ ચરણના ૮મી જૂને આરંભ પૂર્વે જ વિતલાં ત્રણ દિવસથી કોરોનાનો પ્રકોપ ઝડપભેર વધી રહ્યો છે. ભારત મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ તરીકે ઈટાલીને પણ પાછળ છોડી દીદ્યું છે. વિશ્વમાં કોરોનાના કહેરનો સામનો કરી રહેલાં દેશોની યાદીમાં ભારત છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. આ ઉપરાંત એક વાર પુનઃ દેશમાં વિતેલાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૯,૮૮૭ નવા કેસો સામે આવવાની સાથે કોવિડ-૧૯ના કુલ દર્દીઓની સંખ્યા વધીને ૨.૩૬ લાખને પાર કરી ચૂકી છે. ભારતમાં શનિવારે સવારે ૮ સુધીમાં વિતેલાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના કારણે ૨૯૪ દર્દીઓના મૃત્યુ થયા છે. એથી ભારતમાં મૃત્તકોની સંખ્યા વધીને ૬,૬૪૨ થઈ ચૂકી છે. અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીની આંકડાકીય માહિતી મુજબ, અમેરિકા, બ્રાઝીલ, રશિયા, સ્પેન અને બ્રિટન બાદ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ભારત હવે છઠ્ઠા નંબરે આવી ગયું છે. નવા કેસોની સંખ્યા પર નજર કરીએ તો કોરોનાના ચેપગ્રસ્તોની સંખ્યામાં સતત ચોથા દિવસે ભારે વધારો નોંધાયો છે. તા.૫મી જૂને વિતેલાં ૨૪ કલાક દરમિયાન ૯,૮૫૧ કેસ નોંધાયા હતા. ૪થી જૂને તેની સંખ્યા ૯,૩૦૪ની હતી. જે એ તારીખ મુજબ સૌથી વધુની સંખ્યા હતી. જ્યારે ૩જી જુને ૨૪ કલાકમાં દર્દીઓની સંખ્યા ૮,૯૦૯ નોંધાઈ હતી. આ ઉપરાંત ૩૧મી મેથી ૩જી જૂન સુધી એટલે કે સતત ચાર દિવસમાં નવા કેસોની કુલ સંખ્યા ૮ હજારને પાર રહી હતી. દેશમાં કોરોના વાયરસથી થઈ રહેલાં મૃત્યુની વાત કરીએ શુક્રવાર સવારથી શનિવારે સવાર સુધીમાં કુલ ૨૯૪ દર્દીના મોત થયા છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ આંક છે. આ જ રીતે સતત બીજો દિવસ છે, જ્યારે એક દિવસમાં થનારા મૃત્યુની સંખ્યામાં પણ ભારે વૃધ્ધિ થવા પામી છે. એટલું જ નહીં સતત ત્રીજો દિવસ છે, જ્યારે એક દિવસમાં ૨૫૦થી વધુ લોકોએ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. આ પહેલાં ૫મી જૂને ૨૪ કલાકમાં ૨૭૩ લોકોના મૃત્યુ થયા હતા. ૪થી જૂને ૨૪ કલાક એટલે કે એક જ દિવસમાં ૨૬૦ લોકોના મોત નોંધાયા હતા. આ પહેલાં ૩૦મી મેએ એક દિવસમાં ૨૬૫ લોકોએ કોરોના સામેના જંગમાં દમ તોડી દીદ્યો હતો. જે એક દિવસમાં મૃત્યુ પામનારાઓનો અત્યાર સુધીનો સૌથી વધુ આંક હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં ૧,૧૫,૯૪૨ ચેપગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે ૧,૧૪,૦૭૨ લોકો કોવિડ-૧૯ને મ્હાત કરી ચૂક્યા છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ૪૮.૨૦ ટકા દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. ચેપગ્રસ્તોના સંખ્યામાં વિદેશ નાગરિક પણ સામેલ છે. શુક્રવાર સવારથી શનિવારે સવારે ૮ સુધીમાં કુલ ૨૯૪ લોકોના મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧૩૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં ૫૮, ગુજરાતમાં ૩૫, તામિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં ૧૨ -૧૨, પશ્ચિમ બંગાળમાં ૧૧, તેલંગાણામાં ૮, મધ્યપ્રદેશમાં ૭, રાજસ્થાનમાં ૫, આંધ્રપ્રદેશમાં બે અને જમ્મુ-કાશ્મીર, ઓડિશા, પંજાબ, ઝારખંડ અને ઉત્તરાખંડમાં એક એક દર્દીના મોત થયા છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/