કોંગ્રેસનો વડાપ્રધાનને સવાલ, આપણાં જવાનો કયા વિસ્તારમાં શહીદ થયા ? ગલવાન ખીણ ચીને પચાવી પાડી હોવા અંગે વિપક્ષોની સરકાર પર તડાપીટ
કોંગ્રેસનો વડાપ્રધાનને સવાલ, આપણાં જવાનો કયા વિસ્તારમાં શહીદ થયા ? ગલવાન ખીણ ચીને પચાવી પાડી હોવા અંગે વિપક્ષોની સરકાર પર તડાપીટ
ચીની સેના સાથે હિંસક ઘર્ષણમાં ભારતીય સેનાના ૨૦ જવાનો શહીદ થયા હતા. આ સમાચારને લઈને સમગ્ર દેશભરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેની સાથે ચીનને તેની જ ભાષામાં જવાબ આપવાની માગ થઈ રહી છે. તો બીજીબાજુ વિપક્ષના નેતાઓ પણ આ મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે સોય ઝાટકીને વાત કરવાની માગ કરી રહ્યા છે. હવે ભારતીય સેનાના જાબાંજ જવાનોની શહાદત પર કોંગ્રેસ પક્ષની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસે ટ્વીટ કરીને કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસે ટ્વીટ કરીને જણાવ્યુ છે કે ‘ચીનનો જો એવો દાવો કરતું હોય કે તેઓ(ભારતીય જવાન) અમારા વિસ્તારમાં આવ્યા. વડાપ્રધાન મોદી કહી રહ્યા છે કે ચીન અમારા વિસ્તારમાં આવ્યુ નથી. ગલવાન ઘાટીમાં અમારા ૨૦ જવાનો શહીદ થઈ ગયા. શું વડાપ્રધાન એ વાત સ્પષ્ટ કરશે કે જવાનો કેમ શહીદ થઈ ગયા ? તેઓ કયા વિસ્તારમાં શહીદ થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની સાથે છેલ્લા છ સપ્તાહથી લદ્દાખ સરહદ પર સર્જાયેલી તણાવભરી સ્થિતિ મામલે ગત શુક્રવારે જણાવ્યુ કે કોઈએ ભારતીય વિસ્તારમાં પ્રવેશ કર્યો નથી અને ભારતીય ચોકીઓ પર પણ કોઈએ કબજો કર્યો નથી. વડાપ્રધાને ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકોની સાથેના હિંસક ઘર્ષણમાં ૨૦ જવાનોની શહાદત સાથે સંકળાયેલા ઘટનાક્રમ અંગે તાજેતરમાં સર્વદક્ષીય દળોની બેઠકમાં રાજકીય નેતાઓને જાણકારી આપી હતી. મોદીએ બેઠક દરમિયાન વિપક્ષી નેતાઓને જણાવ્યું હતું કે કોઈ અમારી સરહદમાં ઘુસીને આવ્યુ નથી, ના તો કોઈએ અમારી પોસ્ટ પર કબજો કર્યો છે. તેમણે વધુમાં કહ્યું હતુ કે લદ્દાખમાં આપણાં ૨૦ જાબાંજ જવાનો શહીદ થયા, પરંતુ જેમણે ભારત માતાની તરફ આંખ ઉઠાવીને નજર કરી હતી, તેમને તેમણે બરાબરનો પાઠ ભણાવ્યા હતો. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે સેનાને સ્થિતિને અનુરુપ પગલાં ભરવાની આઝાદી પ્રદાન કરાઈ છે. સરકારના એક નિવેદન મુજબ વડાપ્રધાને વિપક્ષી નેતાઓને એમ પણ આશ્વાસન આપ્યું હતુ કે સશસ્ત્ર દળો દેશના સીમાડાની સુરક્ષા માટે કોઈ કસર રાખી રહ્યા નથી. વધુમાં લદ્દાખ પૂર્વમાં જે પણ સ્થિતિ સર્જાઈ, તેને લઈ તમે રક્ષા મંત્રી અને વિદેશ મંત્રીને પણ સાંભળ્યા અને પ્રેઝેન્ટેશન પણ નિહાળ્યું. તેમાં જોવા મળ્યું કે ના તો કોઈ આપણી સરહદમાં ઘુસી આવ્યું છે કે ના તો કોઈ પોસ્ટ બીજાના તાબામાં છે. આ જાણકારી પીએમઓ ઈન્ડિયાએ ગત તા.૧૯મી જૂને ટ્વીટ કરીને આપી હતી. આ પહેલાં ૧૭મી જૂને વિદેશ મંત્રાલયે વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીની વિદેશ મંત્રી વાંગ યીની સાથે કરીને એક નિવેદન જારી કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે જયશંકરએ એ વાતની ચીનને યાદ અપાવી હતી કે ૬ ઠ્ઠી જૂને સિનિયર મિલિટ્રી કમાન્ડરની સાથેની બેઠકમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ડિ-એસ્કેલેશન અને અવરોધની સ્થિતિ પર પુર્ણવિરામ મુકવા માટેની સમજૂતી કરવામાં આવી છે. આ નિવેદનમાં એમ પણ જણાવાયું હતું કે ગત સપ્તાહથી જમીન પર કમાન્ડરોની નિયમિત બેઠક થઈ રહી હતી. તે મામલે થોઈ પ્રગતિ પણ સધાઈ હતી. પરંતુ ચીની પક્ષે એલએસી પર આપણી બાજુ ગલવાન ઘાટીમાં નિર્માણકાર્યનો પ્રયાસ કર્યો. જે વિવાદનું કારણ પણ બન્યો. તેની સાથે ચીને પૂર્વનિયોજિત રણનીતિરૂપે પોતાના કરતૂતને પાર પાડ્યુ હતું. જેનું પરિણામ હિંસા અને જાનહાનિરૂપે સામે આવ્યુ. જે તમામ સમજૂતીના ઉલ્લંઘનની સાથે વાસ્તવિક સ્થિતિને બદલવાનો ઈરાદો નજરે પડી રહ્યો છે. આ પહેલાં ૧૬મી જૂને વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે પણ કહ્યું હતું કે ચીન સર્વસંમતિથી ગલવાન ઘાટીમાં એલએસીનું સન્માન રાખીને ત્યાંથી નીકળી ગયું છે. આમ લદ્દાખમાં ચીનના દગાખોરીભર્યા કરતૂત મામલે પીએમઓ અને વિદેશ મંત્રાલયના નિવેદનોને લઈ વિપક્ષ દ્વારા હલ્લાબોલ કરવામાં આવી રહ્યું છે. માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના સીતારામ યેચુરીએ કહ્યું હતું કે ત્યાં કોઈ વિવાદ જ નથી.? તો આપણા બહાદુર જવાનો સૈનિકો શહીદ શા માટે થયા ? તો પછી સર્વપક્ષીય બેઠક શા માટે થઈ રહી છે.’ આપ સાંસદ સંજય સિંગે પણ ૧૯મી જૂને ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે શું ભારતે ગલવાન ઘાટી પર પોતાનો દાવો જતો કર્યો છે. જો ચીનને આપણી જમીન પર કબજો નથી કર્યો તો ચીન સાથે સંવાદ કયા વિષય પર કરવામાં આવી રહ્યો છે. જો કબજો કર્યો ન હતો તો ચીન ૨.૫ કિલોમીટર પાછળ કેવી રીતે ગયું ? આપણાં ૨૦ જવાનો માતૃભૂમિને આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું, તો ભાજપ કહી રહ્યું છે ઓલ ઈઝ વેલ. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પીએમઓને જ સીધો સવાલ કર્યો હતો કે વડાપ્રધાને ભારતીય વિસ્તારને ચીનને સુપરત કરી દીદ્યો છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું કે વડાપ્રધાને ચીનની આક્રમકતાની સામે ભારતીય ક્ષેત્રને ચીનને સોંપી દીદ્યો છે. આ ઉપરાંત પૂર્વ રક્ષામંત્રી અને એનસીપીના નેતા શરદ પવારે જણાવ્યું હતું કે સરહદ પર તણાવ ઓછો કરવા માટે કૂટનીતિજ્ઞ માધ્યમોનો ઉપયોગ થવો જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે ચીની સૈનિકોએ ગલવાન ઘાટીમાં ઉંચાઈ પરના મેદાની વિસ્તારોમાંથી બહાર નીકળી જવું જોઈએ. તેમણે એમ પણ ઉમેર્યું કે ચીનની સેના ભારતીય સરહદ બાજુ દુબ્રુક – ડીબીઓ માર્ગ પર પ્રભાવ પાડવાના ઈરાદા સાથે ગલવાન ઘાટીમાં ઉંચાઈ પરના વિસ્તારોમાં તૈનાત છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/