ચીની સેનાએ ૩ વર્ષમાં ૧૦૨૫ વખત ઘૂસણખોરી કરી :સરકાર .વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચે ચીન દ્વારા એલએસીની અનેકવાર ઐસીતૈસી, ૧૭ નવેમ્બર ૨૦૧૯એ લોકસભામાં રજૂ કરાયેલા આંકડા ચોંકાવનારા છે
ચીની સેનાએ ૩ વર્ષમાં ૧૦૨૫ વખત ઘૂસણખોરી કરી :સરકાર .વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચે ચીન દ્વારા એલએસીની અનેકવાર ઐસીતૈસી, ૧૭ નવેમ્બર ૨૦૧૯એ લોકસભામાં રજૂ કરાયેલા આંકડા ચોંકાવનારા છે
ભારતીય સરહદમાં ઘુસણખોરી કરવી એ ચીની સેના માટે નવાઈની વાત નથી, એટલે કે લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સેનાનું કરતૂત પ્રથમવારનું નથી. કેન્દ્રના રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાઈક દ્વારા ૧૭મી નવેમ્બર, ૨૦૧૯ના રોજ લોકસભામાં રજૂ કરેલા આંકડા પર નજર કરવા જેવી છે. જેમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ના દરમિયાન ચીની સેનાએ ૧,૦૨૫ વખત ઘુસણખોરી કે અતિક્રમણ કર્યું છે. ચીની સૈનિકોએ વર્ષ ૨૦૧૬માં ૨૭૩ વખત, ૨૦૧૭માં ૪૨૬ વખત અને ૨૦૧૮માં ૩૨૬ વખત ભારતીય સરહદમાં અતિક્રમણ કર્યું હતું. ભારત સરકારના જણાવ્યા મુજબ ભારત અને ચીન વચ્ચેના સરહદી વિસ્તારને સ્પષ્ટરૂપે રેખાકિંત કરવામાં આવ્યું નથી. એટલા જ માટે આ પ્રકારના અતિક્રમણની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. નાઈકના જવાબમાં વધુમાં જણાવ્યા મુજબ ભારત અને ચીન વચ્ચેના સરહદી વિસ્તારોમાં સામાન્ય સ્વરૂપમાં રેખાકિંત કોઈ વાસ્તવિક નિયંત્રણ રેખા(ન્છઝ્ર) નથી. એલએસીની નિકટના કેટલાક એવા વિસ્તાર છે, જેને લઈ બંને પક્ષોની પોત-પોતાની ધારણા અને દાવાઓ છે. તેના આધારે જ બંને બાજુની સેના સરહદ પર પેટ્રોલિંગ કરતી રહે છે, જેના કારણે અતિક્રમણ થાય છે. સરકાર દ્વારા સંસદમાં એવો દાવો કરાયો હતો કે ચીન દ્વારા કરાયેલા અતિક્રમણની ઘટનાઓના કારણે કોઈ સૈનિકને નુકસાન થવાની માહિતી મળી નથી. રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ કોઈપણ અતિક્રમણ કે ઘુસણખોરીની સ્થિતિ સામે આવે છે ત્યારે તેનાં માટે ગોઠવાયેલા માળખા મુજબ જેમ કે ફ્લેગ મિટીંગ, બોર્ડર પર્સનલ મિટીંગ્સ, ભારત અને ચીન સરહદી બાબતો પર વિચારવિર્મશ અને સમન્વય માટે બનાવવામાં આવેલી કમિટી તેમજ રાજકીય ચેનલના માધ્યમથી પ્રશ્નોનું નિરાકરણ લાવી દેવામાં આવે છે. લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની તાજેતરના હિંસક ઘર્ષણને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને લઈ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરાયા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હાલમાં શાબ્દિક યુધ્ધ ચરમસીમાએ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહએ વડાપ્રધાન મોદીને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે ભ્રામક પ્રચાર ક્યારેય કુટનીતિ અને મજબુત નેતૃત્વનો વિકલ્પ બની શકે નહીં. તેની સાથે જવાનોનું બલિદાન વ્યર્થ ન જાય તેવી નક્કર કામગીરી કરવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો. જેના પગલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ મનમોહન સિંહ પર વળતો પ્રહાર કર્યો હતો. જેમાં તેઓએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મનમોહન સિંહના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં વર્ષ ૨૦૧૧થી ૨૦૧૩ દરમિયાન ચીન દ્વારા ૬૦૦ વખત ઘુસણખોરી કરવામાં આવી હતી. ત્યારે તેમણે કોઈ જ કાર્યવાહી કરી ન હતી. નડ્ડાએ મનમોહન સિંહ તેમજ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા જણાવ્યુ હતું કે તેઓ સવાલો કરીને સૈનિકોનું અપમાન કરવાનું બંધ કરે. તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસએ જ ભારતની ૪૩,૦૦૦ કિલોમીટર જમીન ચીનને આપી દીધી હતી. નડ્ડાના આરોપ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમે મંગળવારે સવારે ટ્વીટ કરીને પ્રત્યુત્તર આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્રમાં ભાજપના કાર્યકાળમાં વર્ષ ૨૦૧૫ પછીથી ૨૨૬૪ વાર ચીન દ્વારા ઘુસણખોરી કરવામાં આવી છે. તેમણે સીધા શબ્દોમાં ભાજપના અધ્યક્ષ નડ્ડાને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે તેઓ આ બાબતમાં વડાપ્રધાન મોદીને સવાલ કરી શકે તેમ છે.?
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/