અમારી સાથે મોટી ગેમ રમાઈ ગઈ છે : મહંત દિલીપદાસજી , ભરોસો તૂટતાં મહંત ભાવુક થયા ,૧૪૩ વર્ષમાં પહેલીવાર રથયાત્રા ન નિકળી
૧૪૩ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર રથયાત્રા ના નીકળતા અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજે આજે મોટું નિવેદન આપ્યું છે. દિલિપદાસજીએ જણાવ્યું હતું કે, જેમના પર ભરોસો રાખ્યો હતો તે ભરોસો તૂટી પડયો, અને અમારી સાથે મોટી રમત રમાઈ ગઈ. તેમણે જણાવ્યું હતું કે, મંગળા આરતી સુધી મંદિરને વિશ્વાસ હતો કે રથયાત્રા ચોક્કસ નીકળશે. પોતે ખોટા વ્યક્તિ પર વિશ્વાસ મૂકીને ભૂલ કરી, અને જેના પર ભરોસો રાખ્યો તેના કારણે જ ૧૪૩મી રથયાત્રા ના નીકળી શકી. દર વર્ષે મંદિર રથયાત્રા કાઢવા માટે પરમિશન મેળવતું હોય છે, અને તેના આધારે જ રથયાત્રા નીકળતી હોય છે. જાકે, આ વખતે કોઈએ સપોર્ટ ના આપતા ભગવાન જગન્નાથની રથયાત્રા ના નીકળી શકી. ભારે દુઃખ વ્યક્ત કરતા દિલિપદાસજીએ જણાવ્યું હતું કે, જાણે શ્વાસ ચાલી રહ્યો છે, પરંતુ જીવ ચાલી ગયો છે. ભક્તોએ મંદિરમાં આવવાની જરૂર હતી, ભગવાન સૌનું છે તેમ કહેતા દિલિપદાસજીએ કહ્યું હતું કે હું બીજું કંઈ નથી સમજતો, બસ એટલું જ કહીશ કે ભરોસો તૂટતા પહેલીવાર ભગવાન નગરચર્યાએ ના નીકળી શક્યા. દિલિપદાસજીએ પોતે ખોટી વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો અને તેના કારણે જ આ બધું થયું તેમ કહેતા જ મહંતનો ભરોસો તોડનાર વ્યક્તિ કોણ હતી તેની પણ ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. બીજી તરફ, જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ આ મામલે જણાવ્યું હતું કે, સીએમ વિજય રૂપાણીએ સાંજે કહ્યું હતું કે, રથયાત્રા નીકળશે, પરંતુ રાત્રે હાઈકોર્ટે તેના પર મનાઈ ફરમાવી દીધી હતી. દિલિપદાસજીએ એક વ્યક્તિએ ભરોસો તોડ્યો હોવાનું કહ્યું હતું પરંતુ તેનાથી અલગ ટોનમાં વાત કરતા ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું હતું કે એક વ્યક્તિએ ભરોસો તોડયો એવું કહેવું ઉચિત નથી. મહેન્દ્ર ઝાએ એમ પણ કહ્યું હતું કે,હાઈકોર્ટે અડધી રાત્રે સુનાવણી શરૂ કરી રાત્રે ૨.૨૦ કલાકે ચુકાદો અપાયો હતો. જેના કારણે મંદિર પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો સમય પણ ના રહ્યો. તેમણે કહ્યું હતું કે, મંદિર કોર્ટમાં જવાનું હતું, પરંતુ આ જ મામલે સરકારે પિટિશન કરતા મંદિર કોર્ટમાં નહોતું ગયું. તેમણે કોર્ટે મંદિરને કંઈ પૂછ્યું જ નહીં, અમને વિશ્વાસમાં ના લીધા તેવી પણ ફરિયાદ કરી હતી.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/