સુરતમાં ‘આરોગ્ય મંત્રી ખોવાયા છે’ના પોસ્ટરો લગાવવામાં આવ્યા , સુરતના વરાછા-સરથાણા વિસ્તારમાં આપએ રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પોસ્ટરો લગાવ્યા
ગુજરાતમાં કોરોના વાઈરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં અમદાવદ બાદ સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે, ત્યારે “ડાયમંડ સિટી”ના અનેક વિસ્તારોમાં રાજ્યના ‘આરોગ્યમંત્રી ખોવાયા છે’ ના પોસ્ટરો આમ આદમી પાર્ટીએ લગાવ્યા છે. સુરતમાં કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અત્યાર સુધી ક્યાંય નથી દેખાયા. હવે આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીએ કુમાર કાનાણીના પોસ્ટરો સુરતના વરાછા અને સરથાણા વિસ્તારમાં લગાવ્યા છે. આ પોસ્ટરોમાં લખ્યુ છે કે, “આરોગ્ય મંત્રી ખોવાયા છે, જે કોઈને મળે તે સુરત સિવિલ પહોંચાડવા વિનંતી.” ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હવે અમદાવાદ બાદ સુરતમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો, સુરતમાં કોરોનાના ૨૨૭ કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં આ જ ગાળામાં નવા ૨૧૧ કેસ નોંધાયા છે. સુરતમાં અત્યાર સુધી ૫૨૫૭ કેસ નોંધાયા છે, જ્યારે ૧૬૭ લોકોના મોત કોરોનાના કારણે થયા છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/