કોરોનામાં સૌથી મોટો ઉછાળો, એક દિવસમાં ૮૩,૦૦૦ કેસ , ચેપગ્રસ્તોની કુલ સંખ્યા ૩૮.૫૦ લાખની પાર થઈ
કોરોનામાં સૌથી મોટો ઉછાળો, એક દિવસમાં ૮૩,૦૦૦ કેસ , ચેપગ્રસ્તોની કુલ સંખ્યા ૩૮.૫૦ લાખની પાર થઈ
ભારતમાં ગુરુવારે જાહેર કરવામાં આવેલા કોરોનાના ચેપગ્રસ્તોનાં આંકડામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં નવા ૮૩,૮૮૩ કોરોના વાઇરસના કેસ આવ્યા છે. જે ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં આવેલા સૌથી વધારે કેસ છે. આ સાથે જ કુલ કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા ૩૮,૫૩,૪૦૭ થઈ ગઈ છે. ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાઇરસના કેસોની સંખ્યા દરરોજ નવો રેકૉર્ડ બનાવે છે. સતત વધી રહેલા કેસોની વચ્ચે હવે કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યા ૮,૧૫,૫૩૮ થઈ ગઈ છે. પહેલાં તે ૮ લાખથી નીચે હતી. ઉપરાંત અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી દેશમાં ૬૭,૩૭૬ લોકોનાં મોત થયાં છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૧,૭૦,૦૦૦થી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. દુનિયાભરમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા ૨.૫૯ કરોડથી વધારે છે, જ્યારે ૮.૬૧ લાખ લોકોએ આ વાઇરસને કારણે જીવ ગુમાવ્યો છે. ભારત હાલ વિશ્વમાં કોરોના વાઇરસના કુલ કેસોની સંખ્યાની દૃષ્ટિએ ત્રીજા નંબરે છે. ભારતમાં કોરોના વાઇરસના કુલ કેસમાંથી ૫૪ ટકા કેસ ૧૮ થી ૪૪ વર્ષના લોકોના જોવા મળ્યા છે. જ્યારે મૃતકોમાં ૫૧ ટકા દર્દીઓ ૬૦ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના છે. આરોગ્ય મંત્રાલયે કોરોનાના કેસનો એક ગ્રાફ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. મંત્રાલયના અહેવાલ અનુસાર ૧૭ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં કુલ કેસના આઠ ટકા કોરોનાના કેસ અને એક ટકા જેટલાં મૃત્યુ જોવા મળ્યાં છે.જ્યારે કુલ કેસના ૧૪ ટકા કોરોનાના કેસ ૧૮થી ૨૫ વર્ષની ઉંમરના યુવાનોમાં મળ્યા છે અને એક ટકાનું મૃત્યુ થયું છે.કુલ કેસના ૨૬ ટકા લોકોની ઉંમર ૨૬થી ૪૪ વર્ષની છે અને ૧૧ ટકાનાં મૃત્યુ થયાં છે. આ પ્રકારે ૪૫થી ૬૦ વર્ષની ઉંમરના કુલ કેસમાંથી ૩૬ ટકાનાં મૃત્યુ થયાં છે. જ્યારે દેશના કુલ કેસના ૨૬ ટકા કેસ આ ઉંમરના છે.
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/