પાટીલના કાર્યક્રમમાં મંડપ બાંધવાનો એસો.નો ઈનકાર , મહામારીમાં પડેલા મારમાં રાહત ન મળતા આક્રોશ
કોરોના મહામારીએ વિશ્વભરમાં અર્થતંત્ર ખોરવી નાખ્યું છે ત્યારે આ કપરા કાળમાંથી બહાર નિકળવા તમામ સ્તરે પ્રયાસ થઈ રહ્યા છે. સરકાર ધીરે ધીરે અનલોકમાં જુદા જુદા વ્યવસાયોને છૂટછાટ આપૂ રહ્યું છે પરંતુ મંડપ-ડેકોરેટર્સના કામને વેગ મળે એવા કોઈ જ પગલાં લેતું ન હોઈ આની સામે ભારે નારાજગી ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં સત્તાધારી ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હોદ્દો ગ્રહણ કર્યા બાદ રાજ્યભરનો પ્રવાસ ખેડવાનો શરૂ કર્યો છે. પક્ષના કાર્યકરોને આગામી ચૂંટણીઓને લઈને સક્રિય કરવાના પ્રયાસમાં તેઓએ આ ક્વાયત હાથ ધરી હોવાનું મનાય છે. જોકે, આ દરમિયાન તેઓ વારંવાર વિવાદમાં આવી રહ્યા છે. બે દિવસ બાદ તેઓ સાબરકાંઠાના પ્રવાસે જવાના છે ત્યારે સાબરકાંઠા મંડપ એસોસિએશને તેમના કાર્યક્રમ માટે મંડપ બાંધવાનો ઈનકાર કરી દીધો હોવાનું જામવા મળ્યું છે. આના લીધે સી.આર. પાટીલ જ નહીં ભાજપ મોવડી મંડળ પણ ભિંસમાં મૂકાઈ ગયું છે. આધારભૂત સૂત્રોના અનુસાર સી.આર પાટીલ આગામી છ તારીખે સાબરકાંઠાના પ્રવાસે જવાના છે એ દરમિયાન તેમના કેટલાક જાહેર કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. બીજી તરફ આ કાર્યક્રમો માટે મંડપ અને ડેકોરેશનની જરૂર હોઈ સ્થાનિક મંડપ ડેકોરેટર્સનો સંપર્ક સાધવામાં આવતા તેઓએ આયોજકોને કોઈ પણ રાજકીય કાર્યક્રમનો બહિષ્કારનો ર્નિણય કરાયો હોવાનું જણાવી કાર્યક્રમ માટે કોઈ જ પ્રકારની ગોઠવણ નહીં કરી આપવા કહ્યું હોવાનું જાણવા મળે છે. ગુજરાત મંડપ એસોશિયેશન દ્વારા અનલોક દરમિયાન તેમના રોજગારને સબંધિત કોઈ પ્રકારની છૂટછાટો ન મળવાને લીધે આ આકરો ર્નિણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મંડપ એસોસિએશનના આ ર્નિણયથી ભાજપમાં સોંપો પડી ગયો છે અને સમજાવટ માટેના પ્રયાસો હાથ ધરાયા હોવાનું જાણવા મળે છે. અનલોકમાં છૂટછાટો કેન્દ્ર સરકારની ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખીને આપવામાં આવતી હોઈ રાજ્ય સરકાર આ બાબતે કોઈ વિશેષ છૂટ આપવાની સ્થિતિમાં નથી ત્યારે મંડપ એસોસિએશનને કઈ રીતે આશ્વાસન આપવું એને લઈને તંત્ર વિમાસણમાં છે. પદ ગ્રહણ કર્યા બાદ પાટીલને લઈને વારંવાર વિવાદો થઈ રહ્યા છે ત્યારે વધુ એક વિવાદથી સમગ્ર પક્ષ મૂંઝવણમાં મૂકાઈ ગયો છે.
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/