અમદાવાદમાં ઘરેલુ હિંસાના કેસની સંખ્યા વધીને ડબલ થઈ , લોકડાઉનના કારણે સતત વધી રહેલો તણાવ પતિ-પત્નીના સંબંધોમાં તકરારનું કારણ બની રહ્યો છે : રિપોર્ટમાં દાવો
ઘરેલુ હિંસાના કેસમાં પાછલા વર્ષના એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમય કરતા આ વર્ષે કેસ ડબલ થઈ ગયા છે. પોલીસ તથા સમાજશાસ્ત્રી મુજબ, કોરોનાની મહામારીના કારણે લાગુ કરાયેલું લોકડાઉન આ પાછળ કારણભૂત છે. પોલીસના સૂત્રો મુજબ, આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ મહિના દરમિયાન ઘરેલુ હિંસાના અંદાજે ૨૫૦ કેસો નોંધાયા છે. જ્યારે પાછલા વર્ષે આ સમયગાળા દરમિયાન ૧૨૦ જેટલા કેસો નોંધાયા હતા. એક્સપર્ટ્સના કહેવા મુજબ, પતિ અને પત્ની વચ્ચે સતત તકરારનું કારણ વધી રહેલી દહેજની માગણી છે. અન્ય કારણોમાં નોકરી ગુમાવવી, સેલેરી કટ થવી તથા સ્ટ્રેસના કારણે નાના-નાના મુદ્દાઓ પર ઝઘડા થાય છે. સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે, ઘરેલુ હિંસાના કેસો અચાનક વધવા પાછળનું એક કારણ લોકડાઉન બાદનો તણાવ છે. તેઓ કહે છે, એવું મનાય છે કે પરિવાર જો સાથે રહે તો તેમના સંબંધ મજબૂત બને છે, પરંતુ હાલની સ્થિતિએ આપણી સામાજિક અને આર્થિક લાઈફને ઘણી અસર કરી છે. લોકડાઉન પહેલા પણ જીવનમાં તણાવ હતો, પરંતુ વ્યક્તિ કામથી બહાર જાય ત્યારે તે ઘરના પ્રોબ્લેમ્સ ભૂલી જતો હતો. જાની કહે છે, ઘરમાં જ રહેવાના કારણે વ્યક્તિનું સાચો વ્યક્તિત્વ બહાર આવી રહ્યું છે. મિડલ ક્લાસ પોતાની નોકરી ગુમાવી રહ્યો છે અને પરિણામે પતિ અને પત્નીમાં પૈસા સંબંધિત તકરાર થઈ રહી છે. કેટલાક નોકરી ગુમાવવા અને આવક ઘટવાથી સ્ટ્રેસમાં છે. આપણા સમાજમાં પતિ પોતાની પત્ની અથવા બાળકો પર ગુસ્સો કાઢે છે અને આવું જ થયું છે. પરિણામે નાની બાબતમાં પણ ઝઘડા થઈ રહ્યા છે. મુખ્ય વાત તો એ છે કે આપણા સમાજમાં મિડલ ક્લાસ સોસાયટીમાં સ્ટ્રેસ દૂર કરતું મિકેનિઝમ નથી.
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/