હજીરા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલી ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં મોડી રાત્રે ધડાકાથી આગ લાગી
હજીરા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલી ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં મોડી રાત્રે ધડાકાથી આગ લાગી
હજીરા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલી ONGC કંપનીના ગેસ ટર્મિનલમાં મોડી રાત્રે અઢી વાગ્યે ઓટોમેટિક પ્લાન્ટની ચેમ્બરમાં સ્પાર્ક થયો હતો. ગેસ લીકેજને કારણે વહેલી સવારે 3 વાગ્યા ને 15 મિનિટની આસપાસ ત્રણ વિસ્ફોટ થયા હતા. આ ધડાકાથી આગ લાગી ગઈ હતી. આગને પગલે પ્લાન્ટમાં કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. આગ વખતે થયેલા ધડાકાઓથી આસપાસના ગામવાસીઓ સાથે શહેરીજનો ધ્રૂજી ગયા હતા અને ઘર બહાર નીકળી ગયા હતા. ગેસ ટર્મિનલમાંથી દૂર દૂરથી આગની જ્વાળાઓ આકાશમાં નજરે પડી હતી. ત્રણ વ્યક્તિ ગુમ થઈ હોવાનું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ઉભરાટ પાસે ગેસલાઈનનો વાલ્વ બંધ કરી દેવાતાં અંદાજે ચાર-પાંચ કલાક બાદ પાઈપમાં રહેલો ગેસ ચીમની વાટે સળગાવી દઈને આગ પર કાબૂ મેળવાયો છે. ચીમનીમાંથી ગેસ સળગાવતાં આસપાસનું તાપમાન 50 ડિગ્રી જેટલું થયું હતું. સમગ્ર દુર્ઘટનામાં ઓએનજીસી દ્વારા કોઈ જાનહાનિ ન થઈ હોવાનું કહેવામાં આવ્યું છે.મુખ્ય ગેસલાઈનના ગેસપ્રવાહને ચીમની તરફ વાળી દેવામાં આવ્યો હતો, જેથી ચીમનીમાંથી 20 ફૂટથી ઊંચી ગેસની જ્વાળાઓ ઉપર ઊઠી હતી, જેથી આસપાસનું નોર્મલ તાપમાન 20થી 25 ડિગ્રીની જગ્યાએ વધીને 50 ડિગ્રીથી વધુ થઈ ગયું હતું. ONGCની સામે આવેલી ગેઇલ કંપનીના ગેટ પર પણ લોકો સામું મો રાખીને ઊભા ન રહી શકે એટલું તાપમાન વધી ગયું હતું, જેથી દુર્ઘટનાસ્થળ અને કંપનીના પ્લાન્ટમાં કેટલું તાપમાન વધ્યું હશે એ અનુમાન લગાવી શકાય છે. ધડાકા બાદ ONGCના ફાયર વિભાગની 10થી 12 ગાડી અને સુરત ફાયર વિભાગની ગાડીઓ પણ આગને કાબૂમાં લેવા માટે પહોંચી છે. 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે. સુરક્ષાના ભાગરૂપે પ્લાન્ટમાં જવાના તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. પોલીસની ગાડીઓ પણ પ્લાન્ટ તરફ રવાના થઈ છે. દુર્ઘટનાસ્થળેથી પણ લગભગ તમામ કોન્ટ્રેક્ટના કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે. મુંબઈથી દરિયાઈ માર્ગે આવતી ગેસપાઇપલાઇનના માધ્યમથી ONGCના આ (એક) પ્લાન્ટમાં ગેસપુરવઠો સંગ્રહ કરાતો હતો, જેમાં ત્રણ બ્લાસ્ટ ઉપરાઉપરી થતાં અફરાતફરી મચી ગઈ હતી એવું જાણવા મળ્યું છે. આ ગેસપાઇપલાઇન 240 કિલોમીટર લાંબી છે. આગની જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂરથી લોકોનાં ઘરની ગેલેરી અને ધાબા પરથી જોવા મળતાં ડરનો માહોલ પેદા થયો હતો. સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગેસ લીકેજ બાદ આગ લાગી છે. હજુ સુધી કોઈને ઈજા કે જાનહાનિ થઈ હોય એવું સામે આવ્યું નથી. રાહત અને બચાવની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/