જ્વેલર્સ પર આક્ષેપ કરનારા નેતાને ત્યાં જ આઈટીની રેડ , ભાજપના નેતાનો ફોન જપ્ત થતા ધરણા પર બેઠા
જ્વેલર્સ પર આક્ષેપ કરનારા નેતાને ત્યાં જ આઈટીની રેડ , ભાજપના નેતાનો ફોન જપ્ત થતા ધરણા પર બેઠા
ઇન્કમટેક્સ અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્મા દ્વારા સુરતના જ્વેલર્સ પર મની લોન્ડરિંગ કર્યાનો આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલી જ્વેલર્સ દ્વારા નોટબંધી દરમિયાન સોના વેચાણના નામે મની લોન્ડરિંગ કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ પીવીએસ શર્માનાં ઘરે ગઇકાલે મોડી રાતથી ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. જે બાદ અધિકારીઓએ તેમનો ફોન પણ લઇ લેતા તેઓ પોતાના ઘરની નીચે રસ્તા પર બેસીને ધરણા કરી રહ્યાં છે. મહત્વનું છે કે, આઇટી વિભાગે શર્મા સામે તેમની મિલકતો બાબતે ક્વેરી કાઢતું સમન્સ મોકલ્યું હતું. જવાબમાં શર્માએ આપેલી વિગતથી અસંતુષ્ટ વિભાગે તપાસ ચાલુ રાખી હતી. આ અંગે પીવીએસ શર્માએ પોતાના રોષ ઠાલવતા જણાવ્યું છે કે, આ મારા મૌલિક અધિકારોનું હનન છે. મને કોઇની સાથે મળવા નથી દેતા ટેલિફોન નથી આપતા. મને જ્યાં સુધી ફોન પાછો નહીં આપે વાત નહીં કરવા દે ત્યાં સુધી અહિંયા બેસી રહીશ. નહીં તો મને અરેસ્ટ કરી લે. મારી પાસે આ લોકોનાં પુરાવા છે એટલે આ બધું થાય છે. મને ધમકી પણ મળી હતી કે, તમારે ત્યાં દરોડા પડશે. કૌભાંડ બહાર લાવના હતા તેના દસ્તાવેજ માટે દરોડા પાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, બુધવારે મોડી સાંજે ઈન્કમટેક્સના અધિકારીઓએ પીવીએસ શર્માના પીપલોદ સીટી જીમખાના સામે આવેલા ફોર સિઝન્સ એપાર્ટમેન્ટના સી વિંગના ચોથા માળે આવેલા ફ્લેટમાં પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા છે. બુધવારે પીવીએસ શર્માના ટ્વીટને લઇને કલામંદિરના સંચાલક મિલન શાહે સ્પષ્ટતા કરી હતી. કલામંદિરના સંચાલક, મિલન શાહે જણાવ્યું હતું કે, પીવીએસ વિવાદિત આઈટી ઓફિસર છે, ચોરેલા ડોક્યુમેન્ટ ટ્વીટર પર મુક્યા છે, જે ગુનાહિત કાર્ય છે. પર્સનલ ફાયદા અને પ્રસિધ્ધી માટે વિવાદ ઉભો કરાયો છે. વર્ષ ૨૦૧૬-૧૭માં અમારી કંપનીએ કમાણી કરી તેનાથી ૧૨ ઘણો ટેક્સ અમે ભર્યો છે. જેની માહિતી આરઓસીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. માજી અધિકારી ૧૫ વર્ષમાં કેમ નિવૃત થયા છે અને તેમના ફ્લેટની કિંમત રૂ.૧૦ કરોડથી વધુ છે. કોઈપણ આવક વિના તે કેવી રીતે શક્ય બને, જ્વેલરી રિટેઇલમાં કલામંદિર સૌથી વધુ ટેક્સ પેયર કંપની છે. અમારું રૂ.૧૩૦૦ કરોડનું ટર્નઓવર છે. ૪૦૦ લોકોનો સ્ટાફ અમારી કંપનીમાં છે. અમે કશુ ખોટું કર્યું નથી. પીવીએસ શર્મા દ્વારા કરાયેલા ટિ્વટમાં જ્વેલર્સે સોનું વેચી ૧૧૦ કરોડ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા હતા. ૩૩ ટકા લેખે ટેક્સ ભરવાને બદલે માત્ર ૮૦ લાખ ટેક્સ ભરવા પાત્ર થાય છે, એવી અરજી સેટલમેન્ટ કમિશનમાં કરતા વિભાગે આ અરજી સ્વીકારી લીધી હતી. આ ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર થઈ શકે તે પ્રકારે અરજી સ્વીકારવામાં આવી હોવાનું જણાવ્યું છે. નોટબંધી દરમિયાન સાનુ ઉંચા ભાવે વેચી કરોડો રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા પછી કરોડોની ટેક્સ ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પીવીએસ શર્માએ બે દિવસ પહેલા વડાપ્રધાન મોદીને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું કે તે સંદર્ભે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ કહ્યું હતું કે ભાજપમાં જ હોવા છતાં શર્માએ આ કૌભાંડ ઉજાગર કર્યું છે અને નોટબંધી ભાજપ સાથે ઘનિષ્ઠતાથી જોડાયેલા કેટલાક લોકો માટે આશીર્વાદ સાબિત થઇ. નોટબંધીની રાત્રીએ અન્ય જવેલર્સ દ્વારા પણ મોટા પ્રમાણમાં મની લોન્ડરિંગ થયું હોઇ શકે છે.જોકે હવે આ મુદ્દે શર્મા લડી લેવાના મૂળમાં આવી ગયા છે અને આગામી દિવસ માં આ મામલે કૌભાંડનો બહાર લાવશે તેના માટે તેમને જે કિંમત ચૂકવી પડે તે માટે તૈયાર છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/