ભારતથી અમેરિકા જનારાઓ પર પ્રતિબંધ, વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને પત્રકારોને મળશે છૂટ
– આ પ્રતિબંધ અમેરિકી રાષ્ટ્રપતિના આગામી આદેશ સુધી ચાલુ રહેશે
નવી દિલ્હી, તા. 2 મે, 2021, રવિવાર
અમેરિકાએ ભારતથી પોતાના ત્યાં આવનારા બિનઅમેરિકી લોકોની મુસાફરી પર પ્રતિબંધ મુકી દીધો છે. અમેરિકી સરકારે કોરોના મહામારીના ગંભીર સંકટ સામે ઝઝુમી રહેલા ભારતને લઈ એક મહત્વનો નિર્ણય લીધો છે. અમેરિકાએ છેલ્લા 14 દિવસમાં ભારતમાં રહ્યા હોય તેવા તમામ બિનઅમેરિકીઓ પર પોતાના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે.
આ આદેશ 4 મેના રોજથી લાગુ થઈ રહ્યો છે. જો કે, અમેરિકી નાગરિકો, ગ્રીન કાર્ડ હોલ્ડર્સ અને તેમના બિનઅમેરિકી જીવનસાથી અને બાળકોને આ આદેશમાં છૂટ મળશે. તે સિવાય કેટલીક શ્રેણીઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને પત્રકારોને પણ છૂટ આપવામાં આવશે. આ પ્રતિબંધ અમેરિકી રાષ્ટ્રપતિના આગામી આદેશ સુધી ચાલુ રહેશે.
ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને ભારતમાં તેના અનેક સ્વરૂપોની ઉપસ્થિતિને લઈ બાઈડન પ્રશાસને આ નિર્ણય લીધો છે. આ આદેશના થોડા કલાકો બાદ અમેરિકી વિદેશ મંત્રાલયે એક આદેશ બહાર પાડ્યો હતો જેમાં કહ્યું હતું કે, યાત્રા પાબંદીમાં આ છૂટ બ્રાઝિલ, ચીન, ઈરાન અને દક્ષિણ આફ્રિકાથી આવનારા મુસાફરોને લઈ આપવામાં આવેલી છૂટ જેવી છે.