ભાજપને જાકારો: બંગાળ બાદ UPમાં પણ મોં બતાવવા જેવા ન રહ્યા, ખુદ મોદીના સંસદીય વિસ્તારમાં પણ થઈ ભૂંડી હાર
પશ્ચિમ બંગાળના પરિણામોએ તો ભાજપની ઉંઘ હરામ કરી છે, ત્યાં વળી યુપીની પંચાયત ચૂંટણીએ એકદમ નિરાશ કર્યા છે. આ ચૂંટણીમાં ભાજપને રાજકીય રીતે મોટો ઝટકો લાગ્યો છે. અયોધ્યાથી લઈને મથુરા તથા કાશી સહિત સમગ્ર રાજ્યમાં સપાએ ભાજપને બરાબરનો જડબાતોડ જવાબ આપ્યો છે.યુપીના આ ત્રણેય જિલ્લામાં યોગી આદિત્યનાથ સરકારના એજન્ડામાં શામેલ છે તેમ છતાં પણ અયોધ્યા, મથુરા, કાશીમાં મળેલી હારથી ભાજપમાં સોપો પડી ગયો છે.
અયોધ્યામાં પણ ભાજપની હાર
અયોધ્યામાં ભાજપને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. અયોધ્યા જિલ્લા પંચાયચની કુલ 40 સીટો ચે. જેમાંથી 24 સીટો પર સમાજવાદી પાર્ટીની જીત થઈ છે. ભાજપને ફક્ત અહી નામ માત્રની 6 સીટ મળી છે. આ ઉપરાંત 12 સીટો પર અપક્ષ ઉમેદવારોને દબદબો રહ્યો છે. ભાજપ અહીં પોતાની હાર માટે ભલે ગમે તેવા દાવા કરે, પણ સત્ય હકીકત એ છે કે, ભાજપને લોકો હવે નકારતા જાય છે.
પીએમ મોદીના કાશીમાં પણ સપાની જીત
પ્રધાનમંત્રી મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં ભાજપની હાલત ચિંતાજનક છે. એમએલસી ચૂંટણીમાં ભાજપને જિલ્લા પંચાયત ચૂંટણીમાં કાશીમાં ભૂંડી હાર મળી છે. અહીં જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપને ફક્ત 8 સીટો આવી છે. સમાજવાદી પાર્ટીએ 14 સીટો આંચકી લીધી છે. અહીં બસપાએ પણ દમ દેખાડ્યો છે. પાંચ સીટો તેમના ખાતામાં ગઈ છે. ઓમપ્રકાશ રાજભરની પાર્ટીને 1 સીટ ગઈ છે. તો વળી અપક્ષના 3 ઉમેદવારોને પણ જીત મળી છે.અહીં 2015થી ભાજપની ભૂંડી હાર થતી આવે છે.
મથુરામાં બસપાનો દબદબો
કૃષ્ણનગરી મથુરા જિલ્લામાં વાત કરીએ તો, અહીં પણ ભાજપને હાર મળી છે. મથુરામાં બહુજન સમાજ પાર્ટીએ બાજી મારી છે. અહીં બસપાના 12 ઉમેદવારોએ જીત મેળવી છે. બસપા બાદ આરએલડીને 9 સીટો મળી છે. તો વળી ભાજપને ફક્ત 8 સીટ મળી છે.સપાને એક સીટ તો અપક્ષને 3 સીટો મળી છે. મથુરામાં તો કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે, ખુદ જિલ્લા અધ્યક્ષ અહીં હારી ગયા છે.