ઉત્તર ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે વધુ ૧૫ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. ૨ કરોડ ૬૦ લાખના ખર્ચે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સઆરોગ્યની સુવિધાથી સજ્જ બની વિવિધ તાલુકાના વિસ્તારોમાં સેવા આપશે.
ગુજરાતમાં તાજેતરમાં નવીન ૧૫૦ જેટલી એમ્બ્યુલન્સને સેવા માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મુકાઈ છે. ઉત્તર ગુજરાતમાં પણ ટુંક સમયમાં ૨.૬૦ કરોડના ખર્ચથી મળેલી આ નવીન ૧૦૮ વાન દોડતી થઈ જશે. ત્યારે મહેસાણા જિલ્લાની ત્રણ ૧૦૮ એમ્બ્યુલન્સ પાલાવાસણા, રણેલા, વિસનગરથી સેવા આપશે. બનાસકાંઠામાં દિયોદર, ખીમાણા, પાંથાવાડા, ચિત્રાસણી અને પાલનપુરના વિસ્તારોને ફાળવણી કરાઈ છે. જોકે, બનાસકાંઠા જિલ્લામાં આજરોજ મંગળવારે કલેક્ટરના હસ્તે લીલીઝંડી આપી શરૃ કરી દેવામાં આવશે. પાટણ જિલ્લાના ધારપુર ખાતે જ્યારે સાબરકાંઠા અને અરવલ્લીમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં આરોગ્યની જરૃરી સાધન-સામગ્રી, ઓક્સીજન વ્યવસ્થા ઉપર કામગીરી થઈ રહી છે. એમ્બ્યુલન્સમાં રાત-દિવસ સેવામાં રહી શકે માટે બે પાયલોટ, બે ઈએમટી રાત દિવસ ફરજમાં હાજર રહેતા હોઈ કોરોના મહામારીમાં દર્દીઓના જીવમાં પ્રાણ ફુંકવા વધુ ૬૦ કોરોના વોરિયર્સ સેવામાં જોડાશે. જેની તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે.
કયા જિલ્લામાં કેટલી 108 વાનનું આગમન
જિલ્લો સંખ્યા
મહેસાણા ૩
બનાસકાંઠા ૫
સાબરકાંઠા ૩
અરવલ્લી ૩
પાટણ ૧
કુલ ૧૫