ગરમીમાં કેવો આહાર આરોગ્યપ્રદ?
ગરમીના દિવસોમાં આહાર બાબત અત્યંત સાવધાન રહેવું જરૂરી બની જાય છે. બાળકોને ગ્રીષ્મનું વેકેશન પડે એટલે તેમને નવી નવી વાનગીઓ ખાવાની ઇચ્છા થાય. સાંજે તડકો ઓછો થાય પછી ફરવા જવાનું મન થાય અને લારી-ગલ્લા પર મળતી વાનગીઓ ખાવાની લાલચ ન રોકી શકાય. પણ એટલું યાદ રાખો કે સખત ગરમીમાં રાંધેલો આહાર જલદી બગડી જતો હોય છે. તેથી બહારનું ખાવાનું ટાળો. એટલું જ નહીં, સવાર-બપોર-સાંજ માટે ચોક્કસ પ્રકારનો આહાર લેવાનો આગ્રાહ રાખો.
સવારના નાશ્તામાં દૂધ, લસ્સી, છાશ, ખસ કે ચંદનનું શરબત, નાળિયેર પાણી કે સંતરાનો જ્યુસ લો.
બપોરના ભોજનમાં દાળ, ભાત, કઢી, દહીં, છાશ, જવ અથવા ઘઉંની રોટલી અને શાક ખાઓ.
જ્યારે રાત્રિ ભોજનમાં રોટલી, લીલા પાંદડાવાળા શાકભાજી, કાંદા, ફુદીના કે કોથમીરની ચટણી અને ગ્રીન સલાડ લો. રાત્રે બને એટલું વહેલું જમી લો.
કુદરતે મોસમ મુજબ આપણા શરીરને સદે અને સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય એવા ફળ-શાકભાજી બનાવ્યા છે. ગરમીના દિવસોમાં શરીરમાંથી પાણી ઝડપથી ઓછું થઈ જતું હોવાથી આપણને વધારે પ્રવાહી લેવાની જરૂર પડે છે. અને આ દિવસોમાં જ તડબૂચ, કાકડી, કાળા જાંબુ, મોસંબી, સંતરા, અનાનસ જેવા રસીલા ફળોની સીઝન હોય છે. તો મોસમી ફળો ખાઈને સ્વસ્થ રહો.
જોકે આ દિવસોમાં ઉષ્ણતામાનનો પારો ઉપર ચઢવાથી ભૂખ ઓછી લાગે છે અને પાચન શક્તિ પણ મંદ પડે છે. ખાસ કરીને બાળકોને તેની અસર વધુ થાય છે. આવી સ્થિતિમાં તેમના રોજિંદા ભોજનના સ્વાદમાં થોડો ફેરફાર કરો. જેમ કે દહીં-ભાતમાં કાકડી ખમણીને નાખો અને તેને ફ્રીમાં ઠંડું કરીને આપો, ખીચડીમાં ઝીણા સમારેલાં શાકભાજી નાખો. રોટલી ઉપર ઘી લગાવી તેના ઉપર દળેલી સાકર ભભરાવીને આપો.
હા, આ દિવસોમાં તળેલાં અને તીખા આહારથી દૂર રહો. ચા અને કોફી ઓછી માત્રામાં પીઓ, વધારે પડતાં સોડિયમવાળા પદાર્થો ન ખાઓ. તેનાથી શરીરમાંથી પાણીની માત્રા ઓછી થઈ જાય છે.
વાસી ખોરાક લેવાનું ટાળો. તેવી જ રીતે જે આહારની તાસીર ગરમ હોય તે ખાદ્ય પદાર્થો પણ ન લો.
વધારે પડતું ઠંડુ પાણી, બરફના ગોળા કે આઇસક્રીમ પણ ન લો