ઉત્તર પ્રદેશ જિલ્લા પંચાયત ચૂંટણીઃ અયોધ્યા, મથુરા, કાશીમાં ભાજપને ઝાટકો
લખનૌ,તા.4 મે 2021, મંગળવાર
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવાનો વારો આવ્યા બાદ યુપીમાં પણ ભાજપ માટે ચિંતાજનક ખબરો આવી રહી છે.
અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સમાજવાદી પાર્ટી ભાજપને ટક્કર આપી રહી છે. તેમાં પણ ભાજપના એજન્ડામાં ખાસ સ્થાન ધરાવતા અયોધ્યા, મથુરા, કાશીમાં ભાજપને ઝાટકો વાગ્યો છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં અયોધ્યામાં જિલ્લા પંચાયતની 40 બેઠકોમાંથી 24 પર સમાજવાદી પાર્ટીએ કબ્જો જમાવ્યો છે.
જ્યારે મથુરા જિલ્લા પંચાયતની 33 સીટો પૈકી 12 સીટો પર વિજય મેળવી બહુજન સમાજવાદી પાર્ટી સૌથી મોટી પાર્ટી બની છે. જ્યારે ભાજપની આઠ બેઠકો અને રાષ્ટ્રિય લોકદળની આઠ બેઠકો આવી છે.
વારાણસીમાં 40 બેઠકો પૈકી 10 પર સપા, સાત પર ભાજપ, ચાર પર બસપા અને બીજી બેઠકો પર અપક્ષો આગળ છે.સમાજવાદી પાર્ટી માટે આ પરિણામો ઉત્સાહ જગાડનારા છે.
યુપીમાં સોમવારે સાંજ સુધી 2357 જિલ્લા પંચાયત બેઠકોની મતગણતરીમાં 699 પર ભાજપ અને 689 પર સપા આગળ હતી. 670 બેઠકો પર અપક્ષો અને 229 પર બસપાના ઉમેદવારો આગળ હતા.