રોનાનો બીજો વંટોળ ઊઠ્યો છે ત્યારથી અમદાવાદ સહિતનાં કેટલાંક શહેરોમાં મજૂરો માટે રોજીરોટીનાં સવાલ ઊભા થઈ ગયા છે. તેમને કામ મળતું ઓછું થઈ ગયું છે કાં તો બંધ થઈ ગયું છે. સરકારે ભલે લૉકડાઉન જાહરે નથી કર્યું, પણ મજૂરો કહે છે કે અમારે તો ફરી લૉકડાઉન જેવી જ સ્થિતિ ઊભી થઈ છે.
ગયા વર્ષે જ્યારે પચીસ માર્ચે કોરોના મહામારીને પગલે લૉકડાઉન લાગું થયું હતું એ પછી ગુજરાતમાંથી લાખો શ્રમિકો વતન રવાના થઈ ગયા હતા. તેમના માટે ખોરાક અને આજીવિકાના પ્રશ્નો ઊભા થયા હતા.
હાલ સ્થિતિ એવી છે કે કોરોનાનો બીજો વંટોળ રાજ્યને ઘમરોળી રહ્યો છે. અત્યારે લૉકડાઉન લાગુ નથી થયું છતાં ઘણાં શ્રમિકો એવા છે જેમના માટે લૉકડાઉન જેવી જ સ્થિતિ છે. તેમને રોજીરોટી મળી નથી રહી.
છૂટક મજૂરીનું કામ મળતું બંધ થઈ ગયું
મૂળે દાહોદ જિલ્લાના ઝાલોદ ગામનાં મીનાબહેન વસોયા તેમના પતિ જયંતીભાઈ અને જુવાન દીકરા રૉકી સાથે અમદાવાદમાં વર્ષોથી ચણતરકામની મજૂરી કરે છે.
તેમનો પરિવાર અમદાવાદના વાસણા વિસ્તારમાં પ્રજાપતિ ગાર્ડન પાસે ખુલ્લી જગ્યામાં રહે છે. એક મહિનાથી તેઓ વતન ઝાલોદ પહોંચી ગયા છે. તેમને અમદાવાદમાં કામ મળતું નહોતું.
મીનાબહેનનો દીકરો રૉકી બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, “છેલ્લા એક મહિનાથી કામ મળતું બંધ થઈ ગયું હતું. મળે તો પણ અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ કામ મળે. આવી સ્થિતિમાં ઘરનાં બે છેડા કેમ ભેગા કરવા? અમદાવાદમાં અમારી ચારસો રૂપિયો હાજરી હતી, એટલે કે કામના રોજ લેખે ચારસો રૂપિયા મળતા હતા. કામ મળતું બંધ થઈ ગયું એટલે હવે ગામ આવી ગયા છીએ. ગામમાં જે કંઈ પણ કામ ક્યારેક ક્યારેક મળે એ કરીએ છીએ. જેના બસ્સો – અઢીસો રૂપિયા મળે છે.”
કામ મળતું બંધ થઈ ગયું એટલે હવે ગામ આવી ગયા છીએ. ગામમાં જે કંઈ પણ કામ ક્યારેક ક્યારેક મળે એ કરીએ છીએ. જેના બસ્સો – અઢીસો રૂપિયા મળે છે.”
રૉકી ઉમેરે છે કે, “જો અમદાવાદમાં ફરી કામ મળવા માંડે તો કાલે જતા રહીએ. મુદ્દો એ છે કે કામ જ નથી મળતું.”
પરંતુ અમદાવાદમાં કોરોનાનાં કેસ ખૂબ નોંધાઈ રહ્યા છે. એવામાં ત્યાં જવું અને કામ કરવું જોખમી નથી? આ સવાલનો જવાબ આપતાં તે કહે છે કે, “અમને કોરોનાની બીક નથી. ભૂખે મરવું એના કરતાં કોરોનાથી મરી જઈએ તો સારું.”
રોકી વસોયા કૉલેજ કરતા હતા. ગયા વર્ષે લૉકડાઉન લાગુ થયું. પરિવારને રોજગારી ન મળતાં મદદરૂપ થવા તેમણે કૉલેજ છોડીને મજૂરી શરૂ કરી દીધી હતી. રૉકીના મમ્મી મીનાબહેન કહે છે કે,”અમદાવાદમાં અમારા પરિવાર – સગાસંબંધીના વીસેક જણા કામ કરતા હતા. તે બધા વતન આવી ગયા છે. સુરતમાં પણ અમારા પરિવારનાં પચ્ચીસેક જણા કામ કરતા હતા તેઓ પણ વતન ઝાલોદ આવી ગયા છે.”
છેલ્લાં એક મહિનાથી શ્રમિકોની વતનવાપસી
માર્ચ મહિનામાં સુરતમાં લૉકડાઉનની આશંકા વચ્ચે પ્રવાસી મજૂરોએ પલાયન આદરી દીધું હતું
અમદાવાદમાં કડિયાનાકા પર શ્રમિકોની સંખ્યા ઘટી ગઈ છે. કેટલાંક એવા પણ છે જેઓ શહેરની ભાગોળે જુદી જુદી સાઇટ્સ પર સળંગ અઠવાડિયા માટે કામ મળે તો જતા રહે છે.
ગુજરાતનાં આદિવાસી પટ્ટામાંથી તેમજ અન્ય રાજ્યમાંથી આવતા ઘણાં શ્રમિકો વતન જતા રહ્યા છે.
શ્રમિકોના હક માટે કાર્યરત અમદાવાદની સંસ્થા આજીવિકા બ્યૂરોના મહેશ ગજેરા બીબીસીને કહે છે કે, “એપ્રિલ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં કોરોનાના કેસ વધવા માંડ્યા હતા. એપ્રિલના પહેલા સપ્તાહથી શ્રમિકો વતન રવાના થઈ રહ્યા છે. જે એકલા શ્રમિકો હોય તેઓ તો શરૂઆતમાં જ જતા રહ્યા છે. જેમાં જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાનનાં પુરૂષ શ્રમિકો વધારે હતા.”
“તેમાંનાં કેટલાંક ફૅક્ટરી, બોઇલર, પ્રોસેસીંગ તેમજ પૅકેજિંગ યુનિટ વગેરેમાં હૅલ્પર તરીકે કામ કરતા હતા. જે મજૂરો પરિવાર સાથે મજૂરી કરતા હતા તેઓ ધીમે ધીમે પરિવારને વતન મોકલી રહ્યા છે. અન્ય રાજ્યોમાંથી અમદાવાદ આવીને કામ કરતાં સિત્તેર ટકા શ્રમિકો વતન જતાં રહ્યા છે. રેસ્ટોરાં – હોટલ ઉદ્યોગમાં રાજસ્થાન, ઉત્તરાખંડ,પશ્ચિમ બંગાળ અને નેપાળના કામદારો હોય છે. નવેમ્બરથી જાન્યુઆરીમાં હોટેલ રેસ્ટોરાં ઉદ્યોગે થોડો વેગ પકડ્યો હતો. કામદારોને કામ પણ મળતું હતું. એપ્રિલથી તો એ ધંધારોજગાર પણ ઠપ થઈ ગયા છે.”
રોજગારી અડધી થઈ ગઈ
વતનમાં પણ કામ નહીં મળે તે આશંકાએ મજૂરો મોટા શહેરોમાં રોકાઈ ગયા છે
બીજી સ્થિતિ એવી પણ છે કે, દાહોદ, પંચમહાલ જેવા સ્થળોએ રહેતા કેટલાંક આદિવાસી શ્રમિકો છેલ્લા દસેક દિવસથી ફરી પાછા અમદાવાદ આવવા લાગ્યા છે. આ એવા લોકો છે જે હોળી કરવા વતન ગયા હતા.
ચણતર મજૂરી કરતાં આવા જ એક શ્રમિક ગીતાબહેન ભાભોર કહે છે કે, “છેલ્લા એક મહિનાથી સ્થિતિ એવી છે કે એક દિવસ કામ મળે છે અને એક દિવસ નથી મળતું. અઠવાડિયામાં ત્રણ દિવસ કામ મળે છે. ચારસો રૂપિયા રોજ લેખે પૈસા તો મળે છે, પણ અઠવાડિયામાં ત્રણ કે ચાર દિવસ કામ મળે એટલે રોજી અડધી થઈ ગઈ કહેવાય.”
તો પછી વતન શા માટે નથી જતાં રહેતા? આનો જવાબ આપતાં ગીતાબહેન કહે છે કે,”વતનમાં પણ કંઈ કામ મળે એમ નથી. અત્યારે ગરમીના દિવસો છે એટલે ખેતીવાડીના કામ પણ ન મળે.”
અમદાવાદમાં કોરોનાના કેસ ખૂબ છે. તમને ડર નથી લાગતો? ગીતાબહેન કહે છે કે, “ડર કોને ન લાગે? પણ પેટના ખાડા પણ પૂરવા તો પડે ને?”
મહેશ ગજેરા કહે છે કે, “અમદાવાદનાં ચાર-પાંચ સ્થળો પર અમે જોયું છે કે અંદાજે આવા પાંચેક હજાર મજૂર આવી ચૂક્યા છે. કમ સે કમ ત્રણ દિવસ પણ કામ મળશે તો ભોજન તો મળી જ રહેશે એવું વિચારીને તેઓ આવે છે.”
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં શું થઈ રહ્યું છે?
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિના મૂલ્યે અનાજ વિતરણ કરવાની સરકારનું આયોજન છે. 11 મેથી એનો આરંભ થવાનો છે. મે અને જૂન એમ બે મહિના સુધી વન નેશન-વન રૅશનકાર્ડ અંતર્ગત મફત અનાજ મળશે.
અમદાવાદનાં જિલ્લા પુરવઠા અધિકારી ડી.એમ.પરમારે બીબીસીને જણાવ્યું કે, “આ યોજના મુજબ એનએફએસએ (નેશનલ ફૂડ સિક્યૉરિટી ઍક્ટ) રૅશનકાર્ડધારકો અન્ય રાજ્યમાં કે જિલ્લામાં હોય તોય ત્યાંથી અનાજ મેળવી શકશે. આ ઉપરાંત અંત્યોદય કાર્ડધારકોને પણ અનાજ મળશે.”
મહેશ ગજેરા કહે છે કે, “સરકારની આ યોજના આવકાર્ય છે, પણ એની કેટલીક મર્યાદાઓ છે. જેમકે, મજૂરોના આધાર અને રૅશનકાર્ડ ઘણે ઠેકાણે જોડાયા નથી. કેટલાંક જે જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત રૅશન દુકાનદારો છે તેમની પાસે સ્કેન મશીન જેવી માળખાગત સુવિધા નથી. આના કરતાં વધુ સારી બાબત એ છે કે સરકાર આધારકાર્ડને આધારે અનાજ આપે. ગયા વર્ષે જૂન-જુલાઈમાં આ રીતે અનાજ આપ્યું જ હતું. ”
જોકે, આ વ્યવસ્થામાં જે લોકો પાસે કોઈ આધાર-પુરાવા નથી કે જે લોકો ઘરવિહોણા કે દસ્તાવેજવિહિન છે તેમની દરકાર કેવી રીતે સરકાર લઈ શકે એ સવાલ પણ મહત્ત્વનો છે.
મહેશ ગજેરા કહે છે કે, “રાજ્યમાં કે તાલુકામાં કોઈ પણ વ્યક્તિનું ભૂખમરાથી મૃત્યુ ન થવું જોઈએ અને એના માટે દરેક મામલતદાર પાસે વધારાનું દસ ક્વિન્ટલ અનાજ હોવું જોઈએ. એનો ઉપયોગ આવા અન્ય રાજ્યના શ્રમિકો કે ઘરવિહોણા લોકો માટે કરવાનો હોય છે. મોટા ભાગના મામલતદારો આ અનાજનો ઉપયોગ જ નથી કરતા.”