એક ફોન આવ્યો’ને 10 જ મિનિટમાં આઈપીએલની આખી ટૂર્નામેન્ટ રદ્દ કરી દેવાઈ !
આઈપીએલને અનિશ્ચિતળ સુધી સ્થગિત કરવાને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પદાધિકારીઓમાં મતભેદ ઉભા થયા હતા. ગઈકાલે સવારે મળેલી ઓનલાઈન બેઠકમાં અનેક પદાધિકારીઓ ઈચ્છતા હતા કે ટૂર્નામેન્ટ એક સપ્તાહના બ્રેક બાદ ચાલુ કરી દેવામાં આવે પરંતુ સચિવ જય શાહ ટૂર્નામેન્ટને અનિશ્ચિતકાળ સુધી ટાળવાની વાત પર અડગ થઈ ગયા હતા. બોર્ડના પદાધિકારીઓએ કહ્યું કે આની સીધી અસર ચાલું વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી-20 વિશ્વકપના આયોજન પર પડશે. હવે વર્લ્ડકપની મેજબાની ભારતની જગ્યાએ યુએઈમાં રમાવાનું લગભગ નિશ્ચિત છે. બીજી બાજુ એવી પણ અટકળો વહેતી થઈ છે કે એક ફોન આવ્યા બાદ 10 જ મિનિટની અંદર આખેઆખી ટૂર્નામેન્ટ રદ્દ કરવાનો નિર્ણય લેવાઈ ગયો હતો ત્યારે આ ફોન કોનો હતો અને તેણે એવું તો શું કહ્યું કે તાત્કાલિક ટૂર્નામેન્ટને રદ્દ કરી દેવાઈ ? તે અંગે પણ તરેહ-તરેહની વાતો વહેતી થઈ છે.
અધિકારીઓએ કહ્યું કે આઈસીસી અને વિદેશી બોર્ડ કહેશે કે જ્યારે તમે તમારી પોતાની આઠ ટીમની ઘરેલું ટૂર્નામેન્ટ આયોજિત ન કરી શક્યા તો પછી 16 ટીમનો વિશ્વકપ કેવીરીતે રમાડશો ? અત્યારે ભારતમાં કોરોનાથી સ્થિતિ અત્યંત ખરાબ છે. સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. આવામાં ત્યારે કોઈ બોર્ડ પોતાની ટીમ મોકલવા તૈયાર નહીં થાય અને આ નિર્ણયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ને હથિયાર આપી દીધું છે. આઈસીસીએ પહેલાંથી જ યુએઈને સ્ટેન્ડબાય રાખી દીધું હતું. જૂનમાં રમાનારી આઈસીસીની બેઠક બાદ આ અંગે નિર્ણય લેવાશે.
આઈપીએલમાં પણ માત્ર 30 ટકા વિદેશી ખેલાડી રમી રહ્યા હતા પરંતુ ટી-20વિશ્વકપમાં ભારતને બાદ કરતાં 15 ટીમો બહારથી આવશે જેને સંભાળવી મુશ્કેલ કામ હશે. આઈપીએલમાં તમામ આઠેય ટીમો ભારતીય ફ્રેન્ચાઈઝીઓની હતી. આવામાં જો એ સમયે ભારતમાં કોરોનાથી સ્થિતિ ખરાબ થાય છેતો અન્ય દેશોના ક્રિકેટ બોર્ડ અથવા તેના દેશની સરકારો પોતાની ટીમને ભારત મોકલવાથી ઈનકાર કરી શકે છે. બીજી બાજુ સ્વાસ્થ્ય નિષ્ણાતોએ પણ સપ્ટેમ્બરમાં ભારતમાં કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેરની ચેતવણી આપી છે