બંગાળમાં કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરનની ગાડી પર હુમલો, TMC પર લાગ્યો આરોપ
નવી દિલ્હી, તા. 6 મે, 2021, ગુરૂવાર
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ હોબાળો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. હવે મેદિનીપુર ખાતે કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરન પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. કેજીટી ગ્રામીણ વિધાનસભાના પંચખુડી ખાતે તેમના પર હુમલો થયો હતો. તેમની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા છે અને આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, ‘પશ્ચિમી મિદનાપુરની મુલાકાત દરમિયાન મારી ગાડી પર ટીએમસીના ગુંડાઓએ હુમલો કર્યો, કાચ તોડી નાખ્યા, મારા પર્સનલ સ્ટાફ પર પણ હુમલો કર્યો, મારે મારી મુલાકાત વચ્ચેથી છોડીને પાછા આવવું પડ્યું છે.’
વી. મુરલીધરને શેર કરેલા વીડિયોમાં એક વ્યક્તિ ડંડા વડે તેમની ગાડી પર હુમલો કરતી જોવા મળે છે. હુમલાના કારણે કેન્દ્રીય મંત્રીની ગાડીનો ડ્રાઈવર ગાડીને પાછી વાળવા લાગે છે. હુમલો થયો હતો તે સ્થળે ટીએમસીના ઝંડા-બેનર લાગેલા છે. હુમલા દરમિયાન ગાડીનો કાચ તૂટી જાય છે અને ડંડો અંદર આવી જાય છે.
કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની આગેવાનીમાં જે પ્રતિનિધિ મંડળ પશ્ચિમ બંગાળ આવ્યું છે તેનો હિસ્સો છે. બીએલ સંતોષ અને ભૂપેન્દ્ર યાદવ પણ આ પ્રતિનિધિ મંડળમાં સામેલ છે. તેઓ ભાજપના માર્યા ગયેલા અથવા તો ઘાયલ કાર્યકરોના ઘરે ઘરે જઈને જમીની રિપોર્ટ ભેગો કરી રહ્યા છે.