તા.૬: ગુજરાત સહિત આખા ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે તથા લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. દેશભરમાં ઓકસીજનથી લઈને બેડની અછત ઊભી થઈ ગઈ છે, અને દર્દીઓ સુવિધાના અભાવે મોતને ભેટી રહ્યા છે, એવામાં ભારત સરકાર તથા જુદા જુદા રાજયોની સરકાર દ્વારા વધુમાં વધુ વેકસીનેશન માટે કામ કરવામાં આવી રહ્યું છે એવામાં અમદાવાદની ઝાયડસ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ કોરોના વેકિસન તૈયાર થઈ ગઈ છે અને તેની મંજૂરી માટે અરજી કરવામાં આવેલ છે.
ગુજરાતની ઝાયડસ કંપની દ્વારા કોરોના વાયરસની રસી તૈયાર કરવામાં આવી છે અને ત્રીજા ટ્રાયલ બાદ હવે ઈમરજન્સી વપરાશ માટે અરજી કરવામાં આવી છે. જો કેન્દ્ર સરકારની સંસ્થા દ્વારા આ રસીને મંજૂરી આપી દેવામાં આવે તો તરત જ દેશના લોકોને રસી મળી રહેશે. આટલું જ નહીં કંપનીએ આ રસીના એક કરોડ ડોઝ પ્રતિ મહિને બનાવવાની તૈયારી દર્શાવી છે.
નોંધનીય છે કે હાલમાં ભારતને બે રસીને મંજૂરી મળી હતી કોવિશિલ્ડ અને કોવેકિસન, બાદમાં રશિયાની સ્પુટનીક વીને પણ ભારતમાં વાપરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આશા છે કે ભારતને વધુ એક રસી મળી રહેશે. કોરોના વાયરસ સામે લડવા માટે દુનિયાના મોટા ભાગના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો માને છે કે ભારતમાં વહેલામાં વહેલું રસીકરણ કરવું જોઈએ.