તાલાલામાં બકરીને બચાવવા જનાર યુવક પર સિંહે કર્યો હુમલો, થયું મોત
જૂનાગઢ જિલ્લાના માધુપુર ગામમાં શનિવારે એક સિંહે 35 વર્ષના શખ્સ પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટનાએ સમગ્ર તલાલા પંથકમાં ચકચાર મચાવી દીધી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર,ગત મોડી રાતે આ બનાવમાં માધુપુર ગામના બહાદુરભાઈ જીવાભાઈ ડાભી નામના ૩૫ વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો હતો. મોડી રાત્રે જંગલમાંથી એક સિંહ આવી ચડયો હતો. ધાવા ગીર ગામે જતા માર્ગ ઉપર રહેતા યુવાનના ઘરના ફળિયામાં બાંધેલા બકરા પર સિંહે હુમલો કર્યો હતો.
અચાનક જાગી ગયેલો યુવાન પોતાના બકરાને સિંહનો શિકાર થતો બચાવવા જતા સિંહે એ યુવાન પર હુમલો કરી નાખ્યો હતો અને ઘટનાસ્થળે જ યુવાનનું મૃત્યુ થયું હતું. યુવાનની લાશને સિંહ બાજુમાં આવેલા કેરીના બગીચામાં લઈ ગયો હતો.
આ બનાવની જાણ થતા તાલાલા ગીર ખાતે વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાંજરૂ ગોઠવીને ગણતરીના કલાકોમાં જ માનવભક્ષી બનેલા સિંહને પૂરી લીધો હતો ત્યારબાદ તેને સાસણના એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો. આ બનાવની જાણ થતા માધુપુર વિસ્તારના ખેડૂતો તથા ગ્રામીણ લોકોમાં ભય પ્રસરી ગયો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ, જીવાભાઈ માધુપુર ગામમાં આંબાવાડીની બહાર એક ઝૂંપડીમાં સૂઈ રહ્યા હતા. આ દરમિયાન એક સિંહે તેમની બકરી પર હુમલો કર્યો હતો. જેથી જીવાભાઈએ બકરીને સિંહથી બચાવવાની કોશિશ કરતા ખૂંખાર સાવજે તેમના પર જ હુમલો કર્યો હતો. જેમાં તેઓ મોતને ભેટ્યા હતા. હાલ આ ઘટનાને પગલે ગ્રામજનોના ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
#NS News #Talala Gir #Lion Attack